Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ગુજરાત સરકારને હાઇકોર્ટની મોટી લપડાક : રાજ્ય સરકારે લાગુ કરેલા અશાંતધારા ઉપર રોક લગાવી : જમિયત ઉલેમા એ હીન્દએ રાજ્ય સરકારના નિર્ણયને પડકાર્યો : આ ધારો લાગુ કરવાથી રાજ્યમાં હિન્દૂ મુસ્લિમ વચ્ચે ભેદભાવો વધશે : બિનસાંપ્રદાયિકતા તથા વસુધૈવ કુટુમ્બકમની હિન્દૂ ફિલોસોફીના ભંગ સમાન ગણાવ્યો

અમદાવાદ : ગુજરાત સરકારે તાજેતરમાં ગુજરાત ડિસ્ટર્બ એરિયા એક્ટ 1991 મુજબ બહાર પાડેલા અશાંતધારાને જમિયત ઉલેમા એ હીન્દએ પડકારતા હાઇકોર્ટએ તેના અમલ ઉપર રોક લગાવી દીધી છે.

પિટિશનરે કરેલી અરજી મુજબ આ ધારો લાગુ કરવાથી રાજ્યમાં હિન્દૂ મુસ્લિમ વચ્ચે ભેદભાવો વધશે . ભારત બિનસાંપ્રદાયિક દેશ છે.તેમજ  હિન્દૂ ફિલોસોફી વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને વરેલી છે. આ કાયદાથી સમાનતાનો ભંગ થશે. તે સંજોગોમાં આ કાયદો લાગુ પાડવો યોગ્ય નથી.
જેના અનુસંધાને ચીફ જસ્ટિસ શ્રી વિક્રમ નાથ તથા જસ્ટિસ શ્રી આસુતોષ જે. શાસ્ત્રીએ ગુજરાત સરકારનો ખુલાસો માંગ્યો છે.તથા કાયદાના અમલ વિરુદ્ધ રોક લગાવી દીધી છે.

આથી રાજ્ય સરકારના એડવોકેટ સુશ્રી મનીષા લવકુમારએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો આ નિર્ણય હજુ સુધી લાગુ કરાયો નથી.હાલમાં તે ગવર્નરની મંજુરીમાં છે.તેથી નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આગામી તારીખ નક્કી ન થાય ત્યાં સુધી કાયદો લાગુ કરાવી શકાશે નહીં.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે લાગુ પાડવા ધારેલા કાયદા મુજબ અમુક નક્કી કરેલા વિસ્તારમાં સ્થાયી પ્રોપર્ટીની લે વેચ કરી શકાશે નહીં.તથા કરતા પહેલા કલેકટરની મંજૂરી લેવાની રહેશે.જેનો હેતુ અમુક ચોક્કસ કોમની વસતી અમુક વિસ્તારમાં વધી જવાથી બીજી કોમને પોતાની પ્રોપર્ટી પાણીના ભાવે વેચી ન નાખવી પડે તેવો  છે.

આગામી મુદત 3 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.ત્યાં સુધી કાયદો અમલી બની શકશે  નહીં તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:41 am IST)