Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

હવે ટ્રમ્પનું નવુ સરનામુ છે ફલોરિડાઃ માર-એ-લાગો એસ્ટેટ

હવે ટ્રમ્પ રહેશે ૨૦ એકરમાં પથરાયેલા ૧૨૮ રૂમવાળા રૂ. ૧૧૬૬ કરોડની કિંમતના ઘરમાં

વોશિંગ્ટન, તા. ૨૧ :. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફલોરીડામા પામ બીચના કિનારે આવેલ પોતાના માર-એ-લાગો એસ્ટેટને હવે પોતાનું કાયમી નિવાસ સ્થાન બનાવશે. ન્યુયોર્ક પોસ્ટના સમાચાર અનુસાર, વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પના આખરી દિવસે નિકળેલ ટ્રકોને પામ બીચ ખાતેના માર-એ-લાગો એસ્ટેટ પર જતા જોવાયા હતા.

અમેરિકન રાષ્ટ્રપતિ તરીકેના પોતાના ચાર વર્ષના કાર્યકાળ દરમ્યાન ટ્રમ્પે માર-એ-લાગોમાં ઘણો સમય વ્યતિત કર્યો હતો, જેને વિન્ટર વ્હાઈટ હાઉસ પણ કહેવાયું હતુ ટ્રમ્પે સપ્ટેમ્બર ૨૦૧૯માં પોતાના કાયદેસરના નિવાસ સ્થાનને ન્યુયોર્ક શહેરના ટ્રમ્પ ટાવરમાંથી બદલાવીને માર-એ-લાગો કરી દીધુ હતું.

ઘણા વખત સુધી ન્યુયોર્કમાં રહેલ ૭૪ વર્ષના ટ્રમ્પે માર-એ-લાગો એસ્ટેટ ૧૯૮૫માં એક કરોડ ડોલરમાં ખરીદી હતી. ફોર્બ્સના અંદાજ મુજબ રિનોવેશન પછી અને લોકેશનના હિસાબે અત્યારે તેની કિંમત ૧૬ કરોડ ડોલર છે. ભારતીય ચલણમાં ગણીએ તો તે લગભગ ૧૧૬૬.૭૩ કરોડ છે.

લગભગ ૨૦ એકરમાં ફેલાયેલ માર-એ-લાગો એસ્ટેટમાં ૧૨૮ રૂમ છે. એસ્ટેટની સામે એટલાન્ટીક મહાસાગરનો શાનદાર નઝારો દેખાય છે. આ પ્રોપર્ટીમાં ૨૦,૦૦૦ ચોરસ ફુટનો બોલરૂમ, પાંચ કલેટેનીસ કોર્ટ અને એક વોટર ફ્રન્ટ પૂલ સામેલ છે. પ્રોપર્ટીમાં ટ્રમ્પનું અંગત કવાર્ટર છે. જે એક અલગ વિસ્તારમાં આવેલુ છે. માર-એ-લાગો ફલોરીડાનું બીજા નંબરનું સૌથી મોટું મકાન કહેવાય છે.

અમેરિકન રાષ્ટ્રપતિ પદેથી હટ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પને વાર્ષિક સિકયોરીટી અને ટ્રાન્સપોર્ટ પર ખર્ચ કરવા માટે ૧૦ લાખ અમેરિકન ડોલર મળશે. આ ઉપરાંત તેમના પત્ની મેલાનીયા ટ્રમ્પને પાંચ લાખ ડોલર આપવામાં આવશે.

(10:30 am IST)