Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

મૃત્યુનો ડર બતાવી ૬.૫૦ લાખનો ચૂનો લગાડનારા બાવાની ધરપકડ

પુણેના કોંઢવા વિસ્તારની ચોંકાવનારી ઘટના : પુત્ર પર કાળો જાદૂ કર્યો હોવાનું કહી છેતરપિંડી આચરાઈ

પુણે, તા. ૨૦ : પુણેમાં અંધશ્રદ્ધાને કારણે એક પરિવારના પોણા સાત લાખ રૂપિયા ડૂબી ગયા. પરિવારના સભ્યોને મોતનો ડર બતાવતા ઢોંગી બાબાએ ૬.૫૦ લાખ રૂપિયાના કબૂતરો ખરીદવા જણાવ્યું હતું. આ ઘટનાની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી દીધો હતો.

પુણેના કોંઢવા વિસ્તારમાં રહેતા એક પરિવાર પાસેથી ૬ લાખ ૫૦ હજારની લૂંટનો મામલો સામે આવ્યો છે. આરોપી બાબાએ પરિવારને કહ્યું કે કોઈએ તમારા પુત્ર ઉપર કાળો જાદુ કર્યો છે. જેના કારણે તે મરી શકે છે. મૃત્યુનો ડર બતાવતા બાબાએ પીડિત પરિવારને ૬.૫૦ લાખ રૂપિયાના કબૂતરો ખરીદવા જણાવ્યું હતું.

કબૂતર ખરીદવાથી પુત્ર પરની મોતની ઘાત ટળી જશે અને તેની જગ્યાએ કબૂતરો મરી જશે. પીડિત પરિવારના મગજમાં આ પ્રકારની અંધશ્રદ્ધા પેદા કરીને આરોપીઓએ ૬.૫ લાખની લૂંટ ચલાવી હતી. આ કેસમાં પુણે પોલીસે અંધશ્રદ્ધા નાબૂદ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે. પીડિત અબીજુર ફતેહપુર વાલાએ આ કેસમાં આરોપી કુતુબુદ્દીન નઝમી સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય એક કિસ્સામાં, ઢોંગી બાબાએ મૃત્યુનો ભય બતાવી અને આર્થિક પરેશાની દૂર કરવાના નામે નાગપુરમાં એક પરિવારની ચાર મહિલાઓને સાથે જાતીય શોષણ કર્યું છે. જુદી જુદી જગ્યાએ પૂજાના નામે ચાર મહિલાઓના જાતીય સતામણીનો મામલો સામે આવ્યો છે. પીડિત યુવતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ઢોંગી બાબાની ધરપકડ કરી હતી.

(12:00 am IST)