Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

હરિયાણામાં વિદ્યાર્થીએ પ્રિન્સિપાલની હત્યા કરી

સ્કુલમાં ઠપકો મળ્યા બાદ ઘટના

યમુનાનગર,તા. ૨૦ : હરિયાણાના યમુનાનગરમાં એક ખાનગી સ્કુલમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ સ્કુલના પ્રિન્સિપાલની ઘાતકી હત્યા કરી દેતા સનસનાટી મચી ગઇ છે. મળેલી માહિતી મુજબ સ્કુલમાં પ્રિન્સિપાલે ઠપકો આપ્યા બાદ આ ઘટનાને અંજામ આપી દેતા ખળભળાટ મચી ગયો  છે. શિક્ષણ જગતમાં આને લઇને ભારે ચર્ચા છે. પોલીસના કહેવા મુજબ યમુનાનગરની વિવેકાનંદ સ્કુલમાં પ્રિન્સીપાલ રિતુ છાબડાની આરોપી વિદ્યાર્થીએ ઘાતકી હત્યા કરી દીધી છે. પ્રિન્સીપાલ પર ત્રણ ગોળી છોડવામાં આવી હતી. ઘટના બાદ તેમને તરત જ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા. આરોપી વિદ્યાર્થી કોમર્સમાં અભ્યાસ કરે છે. તે પોતાના પિતાની લાયસન્સ રિવોલ્વરથી પ્રિન્સીપાલની હત્યા કરવા માટે પહોંચી ગયો હતો. એસપી રાજેશ કાલિયાએ માહિતી આપતા કહ્યુ છે કે આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રોફેશનની દ્રષ્ટિએ પ્રોપર્ટી ડિલર રહેલા તેના પિતા સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપી વિદ્યાર્થી સામાન્ય રીતે દરરોજ કોઇને કોઇની સાથે લડાઇ ઝગડો કરતો હતો. આજ કારણસર થોડાક દિવસ પહેલા જ તેને સ્કુલમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. આજે આરોપી શખ્સ સ્કુલ આવ્યો હતો. પ્રિન્સિપાલને મળવાને બહાને તે  ઓફિસમાં પહોંચી ગયો હતો. ત્યારબાદ તેમના પર હુમલો કર્યો હતો.

(7:30 pm IST)