Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

દેશને બીમારીમાંથી સાજો કરવા મોદી શ્રેષ્ઠ ડોકટરઃ મેઘવાલ

સ્વચ્છતા, ભ્રષ્ટાચાર, ગરીબી, કોમવાદ, જાતિવાદ અને આતંકવાદ જેવી દેશને પરેશાન કરતી છ બીમારીને વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ઓળખી કાઢી છે

પણજી તા. ૨૦ : નરેન્દ્ર મોદી ભલે એમબીબીએસની ડિગ્રી ધરાવતા ન હોય, પરંતુ દેશને બીમારીમાંથી સાજો કરવા માટે તેઓ શ્રેષ્ઠ ડોકટર છે, એમ કેન્દ્રના પ્રધાન અર્જુનરામ મેઘવાલે શુક્રવારે કહ્યું હતું.

જળ સ્રેત, નદી વિકાસ અને ગંગા શુધ્ધિકરણ બાબતોના રાજય કક્ષાના પ્રધાન મેઘવાલે એમઆરએઆઈ ઈન્ટરનેશનલ ઈન્ડિયન મેટલ્સ પરિષદ ખાતે ઉપરોકત નિવેદન કર્યું હતું. વર્ષ ૧૯૪૭માં ભારત ઉપરાંત અન્ય દેશોને પણ બ્રિટનના શાસનમાંથી મુકિત મળી હતી, પરંતુ છ મોટી બીમારીને કારણે ભારત જે વિકાદર જોઈતો હતો તે નથી મેળવી શકયું. વિકાસ થયો છે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી, પરંતુ જે ઝડપે વિકાસ થવો જોઈતો હતો તે મુજબ થઈ શકયો નથી, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે સ્વચ્છતા, ભ્રષ્ટાચાર, ગરીબી, કોમવાદ, જાતિવાદ અને આતંકવાદ જેવી દેશને પરેશાન કરતી છ બીમારીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓળખી કાઢી છે.  આ છ બીમારીએ દેશને ભરડો લીધો છે અને દેશના ધીમા વિકાસ પાછળનું આ જ મુખ્ય કારણ છે, એમ તેમણે કહ્યું હતું.

દેશ માટે જરૂરી ઝડપી વિકાસદર મેળવવાનો મોદીએ દૃઢ નિશ્ચય કરી લીધો છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે મોદી એમબીબીએસ ડોકટર નથી, પરંતુ દેશને ભરડામાં લેનાર એ તમામ બીમારીમાંથી મુકત કરાવવા માટે તેઓ શ્રેષ્ઠ ડોકટર છે.  સ્વચ્છતાને તેમણે ટોચ પર રાખી છે. આ બાબત જ દર્શાવે છે કે તેઓ ઉદ્યોગો માટે ચિંતિત છે.

મેઘવાલે ભારપૂર્વક કહ્યું હતું કે 'મેરા દેશ બદલ રહા હૈ, આગે બઢ રહા હૈ'એ માત્ર સૂત્ર નથી, પરંતુ દેશ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે તેની વાસ્તવિકતા છે.  તેમણે કહ્યું હતું કે ત્રણ-ચાર વર્ષ અગાઉ ભારત આવતા વિદેશીઓને દરિયાકિનારા સહિત ઠેરઠેર કચરો જોવા મળતો હતો, પરંતુ હવે એ સ્થિતિમાં સુધારો આવ્યો છે.  આ સૂત્રએ લોકોની માનસિકતા બદલાવી છે અને સ્વચ્છતા અંગે લોકો વધુ સભાન થયા છે, એમ તેમણે કહ્યું હતું.(૨૧.૬)

(9:48 am IST)