Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

અહીં બાળકોના પ્રાણીઓ સાથે કરાય છે લગ્ન

બાળકના કૂતરી સાથે કરાયા લગ્નઃ ગામ લોકોનું એવું માનવું છે કે અપશુકન ટળી જાય છે અને બાળકને લાંબી જિંદગી મળે છે

રાંચી તા. ૨૦ : ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ અંધવિશ્વાસ પ્રવર્તી રહ્યો છે. તાજેતરમાં જ એક ન્યૂઝ ખૂબ જ ચર્ચામાં રહ્યાં હતાં કે ઝારખંડના બુરૂડીહ ટોલા આસુરામાં વિકાસ નામના ત્રણ વર્ષના બાળકના લગ્ન કૂતરી સાથે કરાવવામાં આવ્યાં હતાં. આ પાછળ એવું કારણ સામે આવ્યું હતું કે આવું કરવાથી અપશુકન થતું નથી.

બાળકોની સલામતી માટે વિચિત્ર રિવાજ કરવામાં આવે છે. આવો જ એક વિચિત્ર રિવાજ ઝારખંડ અને ઓરિસ્સાના કેટલાક વિસ્તારોમાં છે. જે સાંભળીને તમને વિચિત્ર લાગશે. આ જગ્યા પર બાળકોના લગ્ન જાનવરો સાથે કરવામાં આવે છે.

બાળકોના જાનવરો સાથે લગ્ન કરવા પાછળ ગામલોકોનું એવું માનવું છે કે અપશુકન ટળી જાય છે અને બાળકને લાંબી જિંદગી મળે છે. ગામલોકોની માન્યતા અનુસાર ઉપરના જડબામાં ૧૦ મહિનામાં પહેલો દાંત આવે તો તેને અશુભ માનવામાં આવે છે. પછી આ બાળકના લગ્ન જાનવર સાથે કરવામાં આવે છે.

જૂની પરંપરા અનુસાર ઉપરના દાંત આવવા પર બાળકોના લગ્ન જાનવરો સાથે કરવામાં આવે છે. જો છોકરો થાય તો તેના લગ્ન કૂતરી સાથે અને છોકરી થાય તો તેના લગ્ન કૂતરા સાથે કરવામાં આવે છે. આ લગ્ન ધૂમધામથી કરવામાં આવે છે. જેમાં ગામના દરેક લોકો રંગેચંગે ભાગ લે છે.

આ લગ્ન ધૂમધામથી કરવામાં આવે છે. જેમાં દરેક ગામના લોકો આવે છે. ઝારખંડના પશ્ચિમી સિંહભૂમ અને ઓરિસ્સાના કયોંજર અને મયૂરભંજ જિલ્લામાં સૌથી વધારે આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. ગામલોકોનું માનવું છે કે જડબાના પહેલા ભાગમાં દાંત આવવાથી બાળકને મૃત્યુદોષનો ખતરો રહે છે. આ ખતરાને ટાળવા માટે જાનવર સાથે લગ્ન કરાવવામાં આવે છે. બાળક પર રહેલો મૃત્યુદોષનો ખતરો ટાળવા માટે કેટલીક વાર બાળકોના ઝાડ સાથે પણ લગ્ન કરવામાં આવે છે. સ્થાનીક ભાષામાં આ પરંપરાને 'દૈહા બપલા' કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લગ્ન કરવાથી ખતરો ઝાડ અને જાનવર પર ચાલ્યો જાય છે.

(9:47 am IST)