Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

આરબીઆઈ પેનલની ભલામણ

મોટાં ઔદ્યોગિક ગૃહોને બેન્ક સ્થાપવા દો

નવી દિલ્હી,તા.૨૧ :  તા. મોટાં ઔદ્યોગિક ગૃહોને બેન્કો સ્થાપવાની પરવાનગી આપવાની ભલામણ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની આંતરિક સમિતિએ કરી છે.

જોકે તેણે ઉમેર્યું છે કે બેન્ક અને ઔદ્યોગિક જૂથની નાણાકીય અને અન્ય કંપનીઓ વચ્ચે સંલગ્ન ધિરાણ અને નાણાકીય વ્યવહારો અટકાવવા માટે બેન્ક નિયમન ધારો, ૧૯૪૯માં જરૂરી ફેરફાર કર્યા પછી તેમ જ મોટાં ઔદ્યોગિક જૂથો પર દેખરેખ રાખવાની યંત્રણા મજબૂત બનાવ્યા પછી જ તેમને બેન્કો સ્થાપવાની પરવાનગી આપવી જોઈએ.

રિઝર્વ બેન્કની સમિતિએ એવી પણ ભલામણ કરી છે કે જે નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ રૂ. ૫૦,૦૦૦ કરોડથી મોટો લોન પોર્ટફોલિયો ધરાવતી હોય અને દસ વર્ષથી કાર્યરત હોય તેમને બેન્ક બનવાની પરવાનગી આપવાનું વિચારવું. આ સૂચન પાછળનો તર્ક એવો છે કે કેટલીક એનબીએફસી હાલની અમુક બેન્કો કરતાં પણ દ્યણી મોટી છે; પરંતુ બેન્કોનું નિયમન કડક રીતે થાય છે જયારે એનબીએફસી માટે નિયમનના ધોરણો પ્રમાણમાં હળવા છે.

સમિતિની ત્રીજી મહત્ત્વની ભલામણ ખાનગી ક્ષેત્રની બેન્કોમાં પ્રમોટરોનું શેરહોલ્ડિંગ દ્યટાડવા વિશે છે. હાલના નિયમો અનુસાર ખાનગી બેન્કોના પ્રમોટરોએ તેમનું શેરહોલ્ડિંગ ઘટાડતા જઈને ત્રણ વર્ષમાં ૪૦ ટકા અને ૧૫ વર્ષમાં ૧૫ ટકા સુધી લાવી દેવું જોઈએ. સમિતિએ પંદર વર્ષ પછી પ્રમોટરોને ૨૬ ટકા શેરહોલ્ડિંગ રાખવા દેવાની હિમાયત કરી છે. તેણે શેરહોલ્ડિંગ અને વોટિંગ રાઇટ્સને અલગ કરવાની ભલામણ કરી છે જે માત્ર હાલની ખાનગી બેન્કોને જ લાગુ નહીં પડે પણ બેન્ક બનવા માગતી એનબીએફસી માટે પણ અવકાશ પેદા કરશે.

(10:12 am IST)