Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

1 નવેમ્‍બરથી ઇન્‍ડેન ગેસના સિલીન્‍ડર બુક કરવા માટેના નંબર બદલાશેઃ હોમ ડિલીવરી વન ટાઇમ પાસવર્ડ-ઓટીપીના આધારે કરાશે

નવી દિલ્હી: 1 નવેમ્બર 2020થી તમારા રસોડાની સૌથી જરૂરી વસ્તુ એવા રાંધણ ગેસ સિલિન્ડરના અનેક નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે. જેમાં સૌથી જરૂરી નિયમ તમારા ગેસ સિલિન્ડરની ડિલિવરી અને તેના બુકિંગ સંબંધિત છે. LPG સિલિન્ડરની ડિલિવરી સિસ્ટમમાં 1 નવેમ્બરથી ફેરફાર થશે. સાથે જો ગેસ વિક્રેતા પાસે તમે તમારું એડ્રસ અને મોબાઈલ નંબર અપડેટ નથી કરાવ્યું તો ડિલિવરી બંધ થઈ શકે છે. બાજુ  ઈન્ડેન ગેસે પોતાના ગ્રાહકો માટે ગેસ બુકિંગ નંબર બદલી નાખ્યો છે. તમામ ફેરફારોને ધ્યાનથી વાંચો કારણ કે તે સીધા તમારા જીવન પર અસર કરશે. આવો જાણીએ 1 નવેમ્બરથી થઈ રહેલા મહત્વના ફેરફાર વિશે...

1. બદલાઈ ગયો ઈન્ડેન ગેસ બુકિંગ નંબર

ઈન્ડેન ગેસનો બુકિંગ નંબર બદલાઈ ગયો છે. જો તમારે તમારો રાંધણ ગેસ સિલિન્ડર બુક કરાવવાનો હોય તો 1 નવેમ્બરથી નવા નંબર પર બુકિંગ સ્વીકાર થશે. જૂના નંબર ગેસ બુક થઈ શકશે નહીં. ઈન્ડેને પોતાના LPG ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ગેસ બુકિંગ માટે નવો નંબર મોકલ્યો છે. જેના દ્વારા ગેસ સિલિન્ડર રિફિલ માટે બુકિંગ કરાવી શકો છો. ઈન્ડિયન ઓઈલે જણાવ્યું કે પહેલા રાંધણ ગેસ બુકિંગ માટે દેશના અલગ અલગ સર્કલ માટે અલગ અલગ મોબાઈલ નંબર રહેતા હતા. હવે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીએ તમામ સર્કલ માટે એક નંબર બહાર પાડ્યો છે. ઈન્ડેન ગેસના દેશભરના ગ્રાહકોને LPG સિલિન્ડર બુક કરાવવા માટે 7718955555 નંબર પર કોલ કરવો પડશે અથવા SMS મોકલવો પડશે.

2. LPG સિલિન્ડર ડિલિવર સમયે આપવો પડશે OTP

1 નવેમ્બરથી રાંધણ ગેસ સિલિન્ડરની ડિલિવરી સિસ્ટમ બદલાઈ જવાની છે. LPG ગેસ સિલિન્ડરની ડિલિવરી હવે વન ટાઈમ પાસવર્ડ (OTP) આધારિત રહેશે. ગેસ બુકિંગ કરાવ્યા બાદ ગ્રાહકોના મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. સિલિન્ડર ડિલિવરી સમયે OTP ડિલિવરી બોય સાથે શેર કરવાનો રહેશે. કોડને સિસ્ટમ સાથે મેચ કર્યા બાદ ગેસ સિલિન્ડરની ડિલિવરી થશે. OTP વગર સિલિન્ડરની ડિલિવરી થઈ શકશે નહીં.

3. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અપડેટ કરાવી શકો છો

નવા સિલિન્ડરની ડિલિવરી સિસ્ટમમાં એવા ગ્રાહકોને મુશ્કેલી પડી શકે છે જેમના એડ્રસ અને મોબાઈલ નંબર અપડેટ થયા નથી. જો કોઈએ ઘર બદલ્યું છે અથવા તો મોબાઈલ નંબર બદલ્યો છે તો તેમણે ડિસ્ટ્રિબ્યુટર પાસે અપડેટ કરાવવા જરૂરી છે. એડ્રસ ખોટું હશે કે મોબાઈલ નંબર અપડેટ નહીં હોય તો ગેસ સિલિન્ડરની ડિલિવરી બંધ થઈ શકે છે. જો કે અપડેટ કરાવવા પર તે ચાલુ થઈ જશે. ઓઈલ કંપનીઓ તરફથી તેમના ગ્રાહકોને સૂચના આપી દેવાઈ છે કે તેઓ પોતાના નામ, એડ્રસ, અને મોબાઈલ નંબર અપડેટ કરાવી લે. નવા નિયમ કોમર્શિયલ LPG સિલિન્ડરપર લાગુ થશે નહીં.

(4:35 pm IST)