Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ભારતમાં કોરોના દર્દીઓની સારવારની રીત બદલાશે

HCQ (હાઇડ્રોકિસકલોરોકિવન) દવાને ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ તરફથી સામાન્ય લક્ષણો હોય તેવા કોરોના દર્દીઓને આપવાની મંજૂરી આપવામાં આવી છેઃ જયારે ઇમરજન્સી માટે રેમડેસિવીર દવાને મંજૂરી આપી છે

નવી દિલ્હી, તા.૧૭: દેશમાં કોરોના વાયરસના નવા કેસ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. આ દરમિયાન સ્વાસ્થ્ય વિભાગે નક્કી કર્યું છે કે વર્તમાન સમયમાં હયાત કોવિડ સારવારના પ્રોટોકોલ અંગે સમીક્ષા કરવામાં આવશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના એક મોટા પરીક્ષણ પછી આ નિર્ણય લેવાયો છે. તાજેતરમાં WHOના આગેવાનીમાં ચાર દવાઓનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું જે મૃત્યુનો દર ઓછો કરવા કે ઓછી ઉપયોગી કે અસફળ રહી હતી. જેમાં એન્ટીવાયરલ ડ્રગ રેમડિસિવીર, મેલેરિયાની દવા હાઇડ્રોકસીકલોરોકવીન (HCQ), એન્ટી એચઆઈવી કોમ્બિનેશન ઓફ લોપિનવીર અને રીટોનવીર અને ઇમ્યુનોમોડ્યૂલેટર ઇન્ટરફેરોન છે. પ્રથમ બે દવા કોરોનાના એ દર્દીઓ માટે છે જેમને સામાન્ય લક્ષણો હોય.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે, પ્રોટોકોલની સમીક્ષા આગામી સંયુકત ટાસ્ક ફોર્સની બેઠકમાં કરવામાં આવશે. આ બેઠકની આગેવાની નીતિ આયોજના સભ્ય ડોકટર વી.કે. પોલ અને ICMRના ડિરેકટર જનરલ ડોકટર બલરામ ભાર્ગવ કરશે.

રિપોર્ટ પ્રમાણે ડોકટર ભાર્ગવે કહ્યુ કે, 'હા, આપણે નવા પરિણામ ધ્યાનમાં રાખીને કિલનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલને ફરીથી રિવાઇઝ કરીશું.' નોંધનીય છે કે HCQ (હાઇડ્રોકિસકલોરોકિવન) દવાને ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ તરફથી સામાન્ય લક્ષણો હોય તેવા કોરોના દર્દીઓને આપવાની મંજૂરી આપવામાં આવી છે. જયારે ઇમરજન્સી માટે રેમડેસિવીર દવાને મંજૂરી આપી છે.

WHOના સોલિડેરિટી ટ્રાયલ નામના આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, હવે ૩૦ દેશમાં ૪૦૫ હોસ્પિટલમાં આ દવાઓની અસર શંકાસ્પદ છે. આ અભ્યાસમાં કોવિડ-૧૯ના ૧૧,૨૬૬ વયસ્ક સંક્રમિતોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૨,૭૫૦ દર્દીને રેમડિસિવીર, ૯૫૪ દર્દીને HCQ, ૧,૪૧૧ દર્દીને લોપિનવીર, ૬૫૧ દર્દીને ઇન્ટરફેરોન પ્લસ લોપિનવીર, ૧,૪૧૨ દર્દીને ફકત ઇન્ટરફેરોન અને ૪,૦૮૮ દર્દીને અન્ય દવા આપવામાં આવી હતી.આ દવા કામ કરે છે કે નહીં?

ભારત પણ આ પરીક્ષણનો હિસ્સો હતું અને આ ચાર દવાનું પરીક્ષણ થયું હતું. ICMRના જણાવ્યા પ્રમાણે ૧૫ ઓકટોબર, ૨૦૨૦ સુધી ૯૩૭ દર્દી અને રેન્ડમ જગ્યાએ આ અંગે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે આ પરીક્ષણ દરમિયાન અનેક મહત્ત્વપૂર્ણ સવાલોના જવાબ મળ્યા છે. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના સંસ્થાપક ડોકટર શ્રીનાથ રેડ્ડીએ કહ્યું કે 'આ ટ્રાયલનો ઉદેશ્ય એવું તપાસવાનો હતો કે આ દવા કામ કરે છે કે નહીં? આ અંગે જવાબ મેળવવો ખૂબ જરૂરી હતો. અમને માલુમ પડ્યું છે કે આ કામ નથી કરતી.'

સ્ટડીના સહલેખક રેડ્ડીએ કહ્યુ કે, 'ઇન્ટરફેરોન જેવી દવાના પરીક્ષણમાં માલુમ પડ્યું છે કે આ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને લગભગ નુકસાન પહોંચાડવાની કગાર પર છે, આથી તેને ચાલુ રાખવાનો કોઈ મતલબ નથી. હવે આપણે અન્ય ઉપલબ્ધ દવાઓનો પ્રયોગ કરી શકીએ જે સસ્તી પણ હોઈ શકે છે.'

(12:44 pm IST)