Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

શું દુબઇ ભારતીયોને વીઝા ઓન એરાઇવલ આપશે?

UAE વીઝા પ્રક્રિયા કરશે હળવી

નવી દિલ્હી તા. ૨૩ : સંયુકત અરબ અમીરાત (UAE)ભારતના નાગરિકો માટે વીઝા ઓન અરાઈવલની સુવિધા આપવા માટે વિચાર કરી રહ્યું છે. હાલ ભારતીય પાસપોર્ટ હોલ્ડર્સને યુએઈમાં આ સુવિધા મળે છે, જે અમેરિકી વીઝા અથવા ગ્રીન કાર્ડ રાખે છે અથવા જેમની પાસે UK અથવા EUના રેસિડેન્ટ વીઝા છે.

દિલ્હી સ્થિતિ યુએઈની એમ્બેસીએ કહ્યું કે 'અમારે ત્યાં ભારતીય નાગરિકો માટે વીઝા સંબંધી પ્રક્રિયાને હળવી કરવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત વીઝા ઓન અરાઈવલની સુવિધા આપાઈ શકે છે.'

એમ્બેસીએ એક નવી મોબાઈલ એપ લોન્ચ કરી છે, જે યુએઈમાં જતા નાગરિકોને મદદરૂપ થશે. તેમની જરૂરીયાતો અને સવાલો માટે આ એપમાં અનેક સૂચનાઓ અને ફીચર્સ છે. પ્રવાસ સુરક્ષિત અને મુશ્કેલી રહિત રહે તે માટેના નિર્દેશો આપવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે ભારતથી ગત વર્ષે ૧૬ લાખ લોકો યુએઈ ગયા છે.

એટલું જ નહીં માત્ર દુબઈ જતા ભારતીયોની સંખ્યા ગત વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચે ૧૦ લાખના આંકડાને પાર કરી ગઈ હતી, જે એક વર્ષ પહેલાના આંકડા કરતા ૨૦ ટકા વધારે છે. ભારતીય પાસપોર્ટ હોલ્ડર્સ માટે વીઝા પ્રોસેસ હળવી કરવા પાછળનું એક કારણ આ પણ માનવામાં આવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ આગામી મહિને યુએઈનો પ્રવાસ કરી શકે છે. માનવામાં આવે છે કે તેઓ ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા વર્લ્ડ ગવર્મેન્ટ સમિટને સંબોધિત કરશે. આ સમિટમાં ૧૪૦ દેશોના ૪૦૦૦ પ્રતિનિધિ ભાગ લેશે. ૨૦૧૫ બાદ મોદી બીજી વખત યુએઈનો પ્રવાસ કરશે.(૨૧.૫)

(9:36 am IST)