Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

કોરોનાની વેક્સિન ક્રિસમસ પૂર્વે બજારમાં આવે એવી સંભાવના

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે રાહતના સમાચાર : અમેરિકાનું ખાદ્ય અને ઔષધિ પ્રશાસન ડિસેમ્બરના મધ્ય સુધી વેક્સિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી શકે

નવી દિલ્હી, તા. ૧૯ : કોરોના મહામારીથી ત્રસ્ત એવી દુનિયા આખી હવે આ મહામારીની વેક્સીનની કાગડોળે રાહ જોઈ રહી છે. આ દરમિયાન બે મોટી ફાર્મા કંપનીઓએ ખુશખબરી આપી છે. આ કંપનીઓના જણાવ્યા પ્રમાણે ક્રિસમસ પહેલા જ બજારમાં કોરોનાની વેક્સીન આવી શકે છે.

કોરોના વેક્સીન બનાવતી કંપની ફાઇઝર અને જર્મનીની બાયોએનટેક દાવો કર્યો છે કે જો વેક્સીનનું અંતિમ પરિણામ પણ અપેક્ષા મુજબ આવશે તો કહી શકાય કે ક્રિસમસ પહેલા જ કોરોનાની વેક્સીન બજારમાં આવી જશે. કંપનીએ જણાવ્યું હતું કે, કોરોનાની વેક્સીનનું ટેસ્ટિંગ જુદી જુદી ઉંમરના લોકો પર કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી વેક્સીનને જે પ્રકારની આશા ઊભી કરી છે તેના પરિણામ પણ તે મુજબ જ મળી રહ્યા છે. બાયોએનટેના મુખ્ય કાર્યકારી યુગુર સાહિને કહ્યું હતું કે, અમેરિકાની ખાદ્ય અને ઔષધિ પ્રશાસન ડિસેમ્બરના મધ્ય સુધી ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી શકે છે. આ જ રીતે યૂરોપિયન સંઘથી પણ કેટલીક શરતો સાથે ડિસેમ્બરના મધ્ય સુધી મંજૂરી મળી શકે છે. યુગુર સાહિને વધુમાં ઉમેર્યું હતું કે, જો બધું અમારી અપેક્ષાઓ મુજબ રહ્યું તો અમે ડિસેમ્બરના મધ્યમ ભાગ સુધીમાં જ કોરોનાની વેક્સીન બજારમાં ઉતારવા માટે તૈયાર છીએ. અમે આશા રાખી રહ્યા છીએ કે ક્રિસમસ પહેલા વેક્સીનને બજારમાં ઉતારી શકાય છે. જ્યારે ફાઇઝરના સીઈઓ અલ્બર્ટ બાઉરલાએ કહ્યું હતું કે, આ અધ્યયન છેલ્લા આઠ મહિનાથી ચાલુ મહામારીને ખતમ કરવાના પ્રયાસોની દિશામાં અગત્યનું પગલું છે. તેનાથી કોરોના વાયરસ સંક્રમણને ખતમ કરવામાં મહત્વની મદદ મળશે.

જાહેર છે કે, અમેરિકાની બાયોટેક કંપની ફાઇઝરએ તાજેતરમાં જ દાવો કર્યો હતો કે કંપનીની કોવિડ-૧૯ વેક્સીન પોતાના અંતિમ વિશ્લેષણમાં ૯૫ ટકા પ્રભાવી સાબિત થઈ છે. તેની કોઈ જ આડ અસર જોવા મળી નથી. ટૂંક સમયમાં અમેરિકન નિયામક સંસ્થાની પાસે વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ માટે અરજી કરવામાં આવશે.

(12:00 am IST)