Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

કોરોના ઈફેક્ટ : ચૂંટણી લડનારા ઉમેદવારોના મહત્તમ ખર્ચની મર્યાદા 10 ટકા વધારાઈ

ચૂંટણી પંચની ભલામણને સરકારે સ્વીકારી : વિધાનસભા સાથે લોકસભા અને પેટાચૂંટણીના ઉમેદવારોને મળશે મદદ

નવી દિલ્હી: લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડનારા ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદાને ચૂંટણી પંચની ભલામણના આધાર પર 10 ટકા સુધી વધારી દેવાઈ છે ચૂંટણી પંચની ભલામણ પર સરકારે લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના મહત્તમ ખર્ચની સીમા 10 ટકા વધારી દીધી છે. કારણ કે, કોવિડ ગાઈડલાઈનના પગલે તેમને પ્રચાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ચૂંટણી ખર્ચની સીમામાં વધારો થવાથી બિહાર વિધાનસભા ચૂંટણીની સાથે-સાથે એક લોકસભા અને 59 વિધાનસભાની પેટાચૂંટણીમાં મેદાનમાં ઉતરી રહેલા ઉમેદવારોને મદદ મળશે.એક મહિના પહેલા જ ચૂંટણી પંચે કોરોના મહામારી દરમિયાન થનારા તમામ ચૂંટણી માટે ખર્ચમાં 10 ટકાનો વધારો કરવાની ભલામણ કરી હતી. પગપાળા દરમિયાન રેલીઓને આયોજિત કરવા સહિત કોરોના પ્રતિબંધો વચ્ચે ઉમેદવારોને ચૂંટણી પ્રચારમાં આવનારી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ખર્ચમાં  વધારો કરવાની ભલામણ કરવામાં આવી હતી.

 કાયદા મંત્રાલય દ્વારા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, એક ઉમેદવાર લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે વધુમાં વધુ હવે 77 લાખ રૂપિયા ખર્ચ કરી શકે છે. જે અત્યાર સુધી 70 લાખ રૂપિયા જ હતા. જ્યારે વિધાનસભા માટે ચૂંટણી ખર્ચ 28 લાખ રૂપિયાથી વધારીને 30.8 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

ઉમેદવારોને તેમના પ્રચાર માટે ખર્ચ કરવાની મહત્તમ સીમા દરેક રાજ્યમાં અલગ-અલગ રહે છે. ચૂંટણી પંચના નોટીફિકેશનમાં આ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે, ખર્ચની સીમાને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વધારવામાં આવી છે અને શું તે કોરોના મહામારી વચ્ચે યોજાનારી ચૂંટણી પૂરતી જ મર્યાદિત રહેશે કે કેમ?

→ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, કર્ણાટક, બિહાર, ગુજરાત અને હરિયાણા જેવા રાજ્યોમાં 77 લાખ રૂપિયા સુધીનો ખર્ચ

→ અરુણાચલ પ્રદેશ, ગોવા, સિક્કિમ, આંદામાન અને નિકોબાર ટાપુ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દમન અને દીવ, લક્ષદ્વીપ અને પુડુચેરીમાં 59.40 લાખ રૂપિયા સુધીનો ખર્ચ

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ 2014માં લોકસભા ચૂંટણી પહેલા ખર્ચની સીમાને વધારવામાં આવી હતી. બિહારમાં વિધાનસભા ચૂંટણી 28 ઓક્ટોબર, 3 નવેમ્બર અને 7 નવેમ્બરે યોજાવાની છે. વિધાનસભાની મોટાભાગની પેટાચૂંટણીઓ 3 નવેમ્બરે યોજાવા જઈ રહી છે. બિહારમાં વાલ્મિકી નગર લોકસભા બેઠક અને મણિપુરની કેટલીક વિધાનસભા સીટો પર 7 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે.

(7:51 pm IST)