Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

લોકઅપમાં ૧૦ દિવસ સુધી ૫ પોલીસકર્મીએ કર્યું સામૂહિક દુષ્કર્મ

રીવા,તા.૨૦: મધ્ય પ્રદેશના રીવામાં એક મહિલાએ પોલીસકર્મી પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. હત્યાના આરોપમાં મહિલા પોલીસ કસ્ટડીમાં છે. આરોપ છે કે લોકઅપમાં ૫ પોલીસકર્મીઓએ ૧૦ દિવસ સુધી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. રીવા જિલ્લાના મંગાવાણ ખાતે મહિલાએ એસડીપીઓ અને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પર પણ બળાત્કારના આરોપ લગાવ્યા છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના આ વર્ષના મે મહિનાની છે, પરંતુ મહિલાએ ૧૦ ઓકટોબરના રોજ આ આરોપો લગાવ્યા જયારે જિલ્લા ન્યાયાધીશ સાથે વકીલોની ટીમ જેલનું નિરીક્ષણ કરવા ગઈ હતી. જિલ્લા ન્યાયાધીશે કાર્યવાહી માટે રીવા એસપી રાકેશ સિંઘને પત્ર લખીને કેસની ન્યાયિક તપાસના આદેશ પણ આપ્યા છે.

મહિલાએ જણાવ્યું કે તેની સાથે ૯ થી ૧૨ મેની વચ્ચે બળાત્કાર કરવામાં આવ્યો હતો, જયારે પોલીસ કહે છે કે ૨૧ મેના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. મહિલાએ જણાવ્યું છે કે તેની સાથે બળાત્કાર કરનારાઓમાં એસડીપીઓ અને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સહિત ૩ કોન્સ્ટેબલ પણ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં તૈનાત એક મહિલા કોન્સ્ટેબલે તેનો વિરોધ કર્યો હતો, પરંતુ પુરુષ પોલીસકર્મીઓએ તેના પર ધ્યાન આપ્યું ન હતું. જેલનું નિરીક્ષણ કરવા ટીમમાં સામેલ વકીલ સતીષ મિશ્રાના જણાવ્યા પ્રમાણે મહિલાનો દાવો છે કે તેણે ત્રણ મહિના પહેલા જેલના વોર્ડમાં પણ ફરિયાદ કરી હતી. વોર્ડન પણ તેની પુષ્ટિ કરી છે. તેમના નિવેદનના આધારે જિલ્લા ન્યાયાધીશે એસપીને ૧૪ ઓકટોબરના મામલાની ન્યાયિક તપાસ સાથે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે.

(11:33 am IST)