Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

છત્તીસગઢમાં આંતરરાષ્ટ્રીય ઓનલાઇન ઠગ ગેંગના પાંચ સાગરીતોની ધરપકડ

ઓનલાઇન છેતરપિંડી કરતા આરોપીઓ પાકિસ્તાની ગેંગ સાથે જોડાયા : આરોપીઓ પાસેથી કુલ 42 લાખ રૂપિયા કબ્જે

બિલાસપુર: છત્તીસગઢની બિલાસપુર પોલીસે પાકિસ્તાની ગેંગ સાથે મળીને સાયબર ગુના કરી રહેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ દેશભરના લોકોને લગભગ કરોડો રૂપિયાનો ચૂનો લગાવી ચુક્યા છે. પકડાયેલા આરોપીઓ રીવા, દેવાસ, ઓડિશા અને મુંબઇના રેહવાસી છે. પોલીસે તેમની પાસેથી 45 લાખ રૂપિયા રોકડા કબજે કર્યા છે અને જુદા જુદા બેંક ખાતામાં 15 લાખ રૂપિયા કબજે કર્યા છે

બિલાસપુરના પોલીસ અધિક્ષક પ્રશાંત અગ્રવાલે જણાવ્યું કે, પકડાયેલા આરોપી પાકિસ્તાની એક ગેંગ સાથે મળીને ઓનલાઇન લોકો સાથે છેતરપિંડી કરતો હતો. જેમાં 'ઓપરેશન 65' લગભગ નવ દિવસ ચાલ્યું હતું. આરોપીઓ પાસેથી ત્રણ લેપટોપ, 13 મોબાઇલ, 15 લાખ રૂપિયા રોકડ, ATM કાર્ડ, પાસબુક અને જુદા જુદા બેંક એકાઉન્ટ્સ ના નંબર, ઉપરાંત 27 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. તેમની પાસેથી કુલ 42 લાખ રૂપિયા કબ્જે કર્યા છે.

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે બિલાસપુરના ફરિયાદી જનકરામ પટેલે કોતવાલી પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે જાન્યુઆરી 2020 થી ઓગસ્ટ 2020 ની વચ્ચે પાકિસ્તાની નંબર પરથી ફોન અને વોટ્સએપ મેસેજીસ આવ્યા હતા. આ સમય દરમિયાન આરોપીએ તેમનું નામ મુકેશ અંબાણી રાખ્યું હતું. આરોપીએ પીડિતને 25 લાખ રૂપિયાનો લકી ડ્રો જીતવાની વાત કરી હતી અને સાથે જ KBCમાં બે કરોડ રૂપિયા જીતવાની લાલચ આપી હતી.

(11:09 am IST)