Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

મહામારી સામે જીતવાની આશા વધી

કોરોનાના ફેલાવાનો દર સપ્ટેમ્બરના પ્રારંભે ૯૨% હતોઃ હવે ઘટીને ૪૨ ટકા થઇ ગયો

નવી દિલ્હી, તા.૨૦: સમગ્ર વિશ્વમાં તેમજ ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે એક સારા સમાચાર છે. છેલ્લા ૩૦ દિવસમાં કોવિડ -૧૯ દેશમાં તેના સર્વોચ્ચ શીખરે પહોંચ્યા બાદ સંક્રમણના ફેલવાના દર અડધાથી વધુ ઘટાડો નોંધાયો છે. ડેટા દર્શાવે છે કે જયારે તે સપ્ટેમ્બરની શરુઆતમાં ૯૨% હતો, તે પછી તે સતત ઘટીને ૪૨% થઈ ગયો. આમ ટોટલ ૫૦% ના ઘટાડા સાથે મહામારી સામે જીતવાની આશા વધી ગઈ છે.

આ ઘટાડો દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘટી રહેલા આંકડા અને ઘણા રાજયોમાં જોવા મળેલી કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધારણાને કારણે છે. સૌથી મોટી અસર છત્તીસગઢમાં જોવા મળી છે જયાં કોરોનાના નવા કેસમાં ૨૯૧% ઘટાડો નોંધાયો છે. ગત મહિને અહીં કોરોનાનો વિકાસ દર ૯૭% હતો જોકે આ પહેલા પણ તે ૧૮ ઓગસ્ટથી ૧૮ સપ્ટેમ્બરની વચ્ચે ૩૮૮% નીચે ગયો હતો.

બીજી બાજુ, પંજાબમાં ૧૩૨%, ઓડિશામાં -૧૦૯%, ઉત્તર પ્રદેશમાં -૭૮% અને હરિયાણામાં, -૭૬% નો ઘટાડો થયો છે. દેશમાં કોરોનાથી પ્રભાવિત સૌથી ખરાબ સ્થિતિ ધરાવતા ચાર રાજયો પૈકી આંધ્રપ્રદેશમાં સૌથી મોટો -૭૦% ઘટાડો નોંધાયો છે. ત્યાર પછી કર્ણાટક(-56pp) અને મહારાષ્ટ્ર(-53pp) રાષ્ટ્રીય સરેરાશથી ઉપર છે.

તેવી રીતે તામિલનાડુમાં -૨૨ppના ઘટાડો નોંધવામાં આવ્યો છે. ફકત કેરળમાં વૃદ્ઘિ દરમાં તેજી જોવા મળી હતી જયારે દિલ્હીમાં પણ -16ppના ઘટાડો જોવા મળ્યો હતો. રાજસ્થાનમાં -18pp અને બિહાર -27ppના ઘટાડો નોંધાયો છે. આ આંકડાઓ માટેનો ૧૮ સપ્ટેમ્બરની તારીખને કટઓફ તારીખ ગણવામાં આવી છે. કારણ કે તેના એક દિવસ પહેલા એટલે કે ૧૭ સપ્ટેમ્બરના દિવસે દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ સિંગલ ડે કેસ નોંધાયા હતા.

તો સોમવારે દેશમાં કોરોનાના કુલ ૪૪,૯૧૩ નવા કેસો જોવા મળ્યા હતા. જે ૨૧ જુલાઈથી અત્યાર સુધી એક દિવસમાં કોરોના કેસમાં થનારો સૌથી ઓછો વધારો છે. તો સોમવારે મહારાષ્ટ્રમાં ફકત ૫,૯૮૪ કેસ જોવા મળ્યા હતા. જે છેલ્લા ૧૦૪ દિવસમાં સૌથી ઓછા છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે સપ્તાહના અંતે સ્ટાફની અછતને કારણે ઓછા પરીક્ષણને કારણે સોમવારે નીચા આંકડા નોંધાય છે. મુંબઈમાં ૧,૨૩૪ કેસ નોંધાયા હતા, જે ૪૮ દિવસમાં સૌથી ઓછા હતા.

(10:31 am IST)