Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

BSEના ઑપ્શનમાં ઉલટફેર કરીને અબજોનું કૌભાંડ:8200 કરોડની ટેક્સ ચોરીનો ઘટસ્ફોટ

શેર બ્રોકર અને એન્ટ્રી ઓપરેટરોની આખી સિન્ડિકેટ: ઈન્કમટેક્સ વિભાગ અને SEBI પણ તપાસમાં જોડાઈ

 

નવી દિલ્હી: રેવન્યુ ડિપાર્ટમેન્ટે 8200 કરોડની ટેક્સ ચોરીનો ઘટસ્ફોટ કર્યો છે. અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓ પર BSEના ઑપ્શનમાં ઉલટફેર કરીને ટેક્સચોરીને અંજામ આપવાનો આરોપ છે કૌભાંડ પાછળ શેર દલાલો અને ઑપરેટરોના એક મોટા ગ્રુપનો હાથ હોવાનું મનાય છે. ઈન્કમટેક્સ વિભાગને દેશના મુખ્ય શહેરોમાં 22 બ્રોકરેજ હાઉસની જાણ થઈ છે. જેમાં પશ્ચિમ બંગાળમાં બ્રોકર હોવાનું કહેવાઈ રહ્યું છે.

 ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ગત મહિને SEBIને એક પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં અંદાજે 20,000 એવા લભાર્થીઓની ઓળખ કરવામાં આવી હતી. જેના આધાર પર કૌભાંડનો પર્દાફાશ થયો છે.

જુલાઈ-2019માં ઈન્કમટેક્સ વિભાગે ઑપરેશન ફૉલ્કોન મારફતે તમામ લાભાર્થીઓની ઓળખ કરી હતી. જેમાં દેશના વિવિધ શહેરોની 22 બ્રોકરેજ ઑફિસોનો ખુલાસો થયો હતો. જેમાં મુંબઈ, કોલકતા, કાનપુર, હૈદરાબાદ અને દેશની રાજધાની દિલ્હીનો સમાવેશ થાય છે. હાલ BSEને આવા કોઈ રિપોર્ટ વિશે જાણ ના હોવાથી તેના પર કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે.

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની પૂછપરછ દરમિયાન અનેક બ્રોકર્સે એફ એન્ડ સેગમેન્ટ (F & O)માં ટેક્સ ચોરીનો ગુનો કબૂલ કર્યો છે. જેમાં પોતાની 2 થી 3 ટકા ભાગીદારીની વાત કહી છે.ઈન્કમટેક્સ વિભાગને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, કૌભાંડ પાછળ શેર બ્રોકર અને એન્ટ્રી ઓપરેટરોની એક સિન્ડિકેટ છે. જે પૈસાના બદલામાં અલગ-અલગ સંસ્થાઓના નફા-નુક્સાનનો રેકોર્ડ રાખે છે. , એન્ટ્રી ઓપરેટર એવા લોકોને કહેવાય છે, જે બિલ જનરેટ કરીને નફા અને નુક્સાનની ઈનવૉઈસ આપે છે.
કૌભાંડની તપાસને વધુ તટસ્થ અને નિષ્પક્ષ બનાવવા માટે ઈન્કમટેક્સ વિભાગ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ની સાથે મળીને કામ કરી રહ્યું છે. પશ્ચિમ બંગાળના એક સુત્રના જણાવ્યા મુજબ, બ્રોકરોની એક આખી સિન્ડિકેટ કૌભાંડમાં સામેલ છે.

અનેક ટેક્સ પેયર્સે પેની શેરમાં રોકાણ પર લાંબા ગાળાના કેપિટલ ગેઈન ટેક્સ (CGT)નો દાવો કરીને રૂપિયા 1200 કરોડની ટેક્સ ચોરી આચરી છે. ડિસેમ્બર-2019માં અનેક બ્રોકરોના ત્યાં ઈન્કમટેક્સ વિભાગની રેડ પડી હતી. આથી બ્રોકરોએ આવા ઈન્કમટેક્સ અધિકારીઓ વિરુદ્ધ FIR પણ દાખલ કરાવી હતી.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં રિવર્સલ ટ્રેડિંગ થકી લિક્વિડ સ્ટોક્સમાં રૂ.3500 કરોડ, કરન્સી ડેરિવેટિવ્ઝ ઑપ્શનમાં રૂ.1500 કરોડ, યુનાઇટેડ સ્ટોક એક્સચેન્જમાં 2000 કરોડની ટેક્સ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. તમામ રકમનો સરવાળો કરતાં તપાસમાં કુલ 8200 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી હોવાનું સામે આવ્યું છે.

(1:02 am IST)