Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

છત્તીસગઢ ભાજપના પૂર્વ ધારાસભ્ય યુદ્ધવીરસિંહ જુદેવનું બેંગ્લુરુમાં નિધન

39 વર્ષના જુદેવ છત્તીસગઢના જાશપુરના રાજવી કુટુંબના સભ્ય: ભાજપના પ્રભાવશાળી નેતા દિલિપસિંહ જુદેવના સૌથી નાના પુત્ર

નવી દિલ્હીઃ ભાજપના છત્તીસગઢના ભૂતપૂર્વ ધારાસભ્ય યુદ્ધવીરસિંહ જુદેવનું બેંગ્લુરુની હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ અહીં લિવરની બીમારીની સારવાર કરાવી રહ્યા હતા, એમ તેમના કુટુંબના સૂત્રોએ જણાવ્યું હતું.

39 વર્ષના જુદેવ છત્તીસગઢના જાશપુરના રાજવી કુટુંબના સભ્ય હતા. તે ભાજપના પ્રભાવશાળી નેતા દિલિપસિંહ જુદેવના સૌથી નાના પુત્ર હતા. દિલીપસિંહ જુદેવનું 2013માં અવસાન થયું હતું.

યુધવીરના પિતરાઈ અને ભાજપના રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય રણવિજયસિંહ જુદેવે જણાવ્યું હતું કે યુધવીરને લાંબા સમયથી લીવરની તકલીફ હતી. તેમણે દિલ્હીની હોસ્પિટલમાં સારવાર લીધી હતી, તેના પછી તેમને બેંગ્લુરુની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે ત્યાં આજે સાંજે ચાર વાગે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃતદેહને મંગળવારે જાશપુર લઈ જઈને ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

જુદેવ માતા માધવી, પત્ની સંયોગિતા અને પુત્રીને વિલાપ કરતાં છોડી ગયા છે. તે 2008માં ચંદ્રપુર મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા અને 2013માં પણ ફરીથી ચૂંટાયા હતા. 2018ની ચૂંટણીમાં ભાજપે તેમની પત્ની સંયોગિતાને મેદાનમાં ઉતારી હતી, પણ તે ચૂંટણી હારી ગઈ હતી. યુધવીર જુદેવે વિધાનસભ્ય તરીકેની બીજી ટર્મ દરમિયાન રાજ્યના બેવરેજ કોર્પોરેશનના વડા તરીકે કામગીરી બજાવી હતી.

છત્તીસગઢના ઉત્તરીય વિસ્તાર ખાસ કરીને જાશપુર અને જાંજગીર-ચમ્પામાં તેમનો જબરજસ્ત પ્રભાવ હતો. મુખ્યપ્રધાન ભુપેશ બઘેલે તેમના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે તેમના સંદેશામાં જણાવ્યું હતું કે ઇશ્વર તેમના આત્માને શાંતિ આપી અને તેમના કુટુંબને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ભાજપના પ્રદેશ પ્રમુખ વિષ્ણુદેવ સાઇએ પણ યુધવીરના નિધનને પક્ષના સંગઠન અને વિસ્તાર માટે ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ ગણાવી હતી.

(12:04 am IST)