Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

બ્યુરોક્રેસી ચપ્પલ ઉઠાવનારી હોય છે, અમારા ચપ્પલ ઉઠાવે છેઃ વિવાદમાં રહેનાર ભાજપના નેતા ઉમા ભારતીનું વધુ ઍક વિવાદીત નિવેદનથી દેકારો

ભોપાલમાં ઓબીસી મહિલાઓના પ્રતિનિધી મંડળ સાથે મુલાકાત દરમિયાન ગુસ્સો ઠાલવ્યો

નવી દિલ્હી: પોતાના નિવેદનને કારણે અવાર નવાર વિવાદમાં રહેનાર ભાજપના નેતા ઉમા ભારતીનું વધુ એક નિવેદન ચર્ચાનો વિષય બની ગયુ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ બ્યૂરોક્રેસીને લઇને એક વિવાદિત નિવેદન આપ્યુ છે. ઉમા ભારતીએ કહ્યુ કે, બ્યૂરોક્રેસી ચપ્પલ ઉઠાવનારી હોય છે, અમારા ચપ્પલ ઉઠાવે છે. પોતાના ભોપાલ સ્થિત ઘર પર ઓબીસી મહાસભાના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત દરમિયાન, જાતિગત જનગણના અને લિંગાયત સમાજ પર બોલતા બોલતા ઉમા ભારતીએ કંપનીઓના ખાનગીકરણને લઇને પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

18 સપ્ટેમ્બરે, ઓબીસી મહાસભાના પ્રતિનિધિમંડળે પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી સાથે ભોપાલ સ્થિત પોતાના બંગલા પર મુલાકાત કરી હતી. આ દરમિયાન પ્રતિનિધિમંડળે ઓબીસીની જાતિગત જનગણના અને પ્રાઇવેટ સેક્ટરમાં અનામતને લઇને ઉમા ભારતીને 5 સૂત્રીય માંગોને લઇને આવેદન સોપ્યુ હતુ અને સાથે જ ચેતવણી આપી કે મધ્ય પ્રદેશ સરકારે ઓબીસી મહાસભાની માંગો પર જલ્દી નિર્ણય લેવો પડશે, નહી તો ઓબીસી મહાસભા રસ્તા પર ભારતીય જનતા પાર્ટીના સાંસદ, ધારાસભ્ય અને મંત્રીઓનો વિરોધ કરશે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ કહ્યુ, તમને શું લાગે છે કે બ્યૂરોક્રેસી નેતાને ફેરવે છે? ના! એકલામાં વાત થઇ જાય છે પછી બ્યૂરોક્રેસી ફાઇલ બનાવીને લાવે છે. અમને પૂછો 11 વર્ષ કેન્દ્રમાં મંત્રી રહ્યા છીએ, મુખ્યમંત્રી રહ્યા છીએ. બધી ફાલતુની વાતો છે કે બ્યૂરોક્રેસી ફેરવે છે. ફેરવી જ નથી શકતા, તેમની ઔકાત શું છે, અમે તેમણે પગાર આપીએ છીએ, અમે તેમણે પોસ્ટિંગ આપીએ છીએ, અમે તેમણે પ્રમોશન અને ડિમોશન આપીએ છીએ, તેમની કોઇ ઔકાત નથી. અસલી વાત છે કે અમે બ્યૂરોક્રેસીના બહાને પોતાની રાજનીતિ રમીએ છીએ.

તમામ જમીન પ્રાઇવેટ સેક્ટરને આપવાની તૈયારી

પ્રતિનિધિમંડળ સાથે વાત કરતા ઉમા ભારતીએ ખાનગીકરણ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. લોકોને પ્રાઇવેટ સેક્ટરમાં અનામતની માંગ કરવાની સલાહ આપતા પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યુ, અનામતમાં શું છે? જ્યાર સુધી પ્રાઇવેટ સેક્ટરમાં અનામત નહી મળે, તમને શું મળશે? બધુ તો પ્રાઇવેટ સેક્ટરના હાથમાં સોપી દીધુ છે. બધી જમીનોને પ્રાઇવેટ સેક્ટરને આપવાની તૈયારી થઇ રહી છે. તમને તો પ્રાઇવેટ સેક્ટરમાં અનામત મળવુ જોઇએ.

ઉમા ભારતીનું આ નિવેદન કંપનીઓના ખાનગીકરણ તરફ ઇશારો છે. કંપનીઓના ખાનગીકરણને લઇને કેન્દ્રની ભાજપ સરકાર હંમેશા ટિકાનો સામનો કરી રહી છે. એર ઇન્ડિયાથી લઇને પીએસયુ કંપનીઓનુ ખાનગીકરણ કરવામાં આવી રહ્યુ છે. સરકાર પર આરોપ લાગતા રહ્યા છે કે કંપનીઓના પ્રાઇવેટ થયા બાદ અનામત છીનવી લેવામાં આવશે. ઉમા ભારતીએ પ્રતિનિધિમંડળ સાથે વાત કરતા તેમણે પ્રાઇવેટમાં અનામતની માંગ કરવાની સલાહ આપી છે.

(5:06 pm IST)