Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

પંજાબના નવા મુખ્ય પ્રધાન ચરણજીત ચન્નીની કાઉન્સીલરથી સીએમ સુધીની શાનદાર સફર

પહેલીવાર ધારાસભામાં અપક્ષ તરીકે જીત્યા પછી કોંગ્રેસમાં જોડાયા

ચંદીગઢ તા. ર૦: પંજાબ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવતે નવા મુખ્ય પ્રધાન માટે ચરણજીતસિંહ ચન્નીનું નામ જાહેર કર્યું તો બધા ચોંકી ગયા. પહેલા સુનિલ જાખર અને પછી સુખજીંદરસિંહ રંધાવાનું નામ મુખ્ય પ્રધાનપદ માટે બોલાયું પણ અંતે સમીકરણ બદલ્યું અને કોંગ્રેસે કેપ્ટન સરકારમાં પ્રધાન અને દલિત ચહેરા ચરણજીતસિંહ ચન્નીના નામ પર મહોર મારી દીધી. ૧પ માર્ચ ૧૯૬૩ના જન્મેલા ચન્ની પંજાબના પહેલા દલિત મુખ્ય પ્રધાન થશે.

ચન્ની રાજકારણની શરૂઆત મ્યુનિસિપલ કાઉન્સીલર તરીકે કરી હતી. તેઓ ત્રણ વાર કાઉન્સીલર બન્યા અને ખરડ નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂકયા છે. ર૦૦૭માં ચન્ની ચમકૌરસાહિબ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે જીત્યા હતા. પછી તેઓ કોંગ્રેસમાં જોડાઇને ર૦૧રમાં કોંગ્રેસની ટીકીટ પર ચમકૌર સાહિબ બેઠક પરથી જીત્યા. ર૦૧પમાં કોંગ્રેસે સુનિલ જાખરને વિરોધ પક્ષનાં નેતા પદેથી હટાવીને ચન્નીને વિરોધ પક્ષના નેતા બનાવ્યા. ર૦૧૭માં તેમને પહેલીવાર કેબીનેટમાં સ્થાન મળ્યું. કેપ્ટન સરકારમાં ચન્ની પાસે ટેકનીકલ શિક્ષણ, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ, ટુરીઝમ અને સાંસ્કૃતિક વિભાગના ખાતાઓ હતાં. ચન્ની રાજનીતિ શાસ્ત્રમાં એમ.એ. હોવા ઉપરાંત એમ.બી.એ. અને એલએલ.બી.ની ડીગ્રીઓ પણ ધરાવે છે.

(3:57 pm IST)