Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

નોકરીદાતા ૧.૬૬ લાખ : નોકરી શોધનારા ૯૫ લાખ

પ્રતિ નોકરીદાતા વેકેન્સીની સરેરાશ એકથી પણ ઓછી

નવી દિલ્હી તા. ૨૦ : દેશમાં ભલે અલગ અલગ ક્ષેત્રોમાં રોજગારી વધવાની આશાઓ દેખાઇ રહી હોય પણ શ્રમ મંત્રાલયના નેશનલ કેરીયર સર્વિસ પોર્ટલ પર પ્રતિ નોકરીદાતા ખાલી જગ્યાની સરેરાશ એકથી પણ ઓછી જોવા મળી રહી છે. જો બેરોજગારીની વાત કરીએ તો એક નોકરી માટે સેંકડો બેરોજગારો દાવેદારી કરતા હોય છે.

પોર્ટલના ડેશબોર્ડના તાજા આંકડાઓ અનુસાર, રવિવાર સુધીમાં લગભગ ૯૫.૩૯ લાખ લોકો નોકરી શોધી રહ્યા હતા. જ્યારે આ પોર્ટલ પર નોકરી આપવાવાળાની વાત કરીએ તો બધા ક્ષેત્રોના મળીને તેમની સંખ્યા ૧.૬૬ લાખ થાય છે અને આ બધા નોકરીદાતાઓ મળીને કુલ ૧.૫૨ લાખ નોકરીઓ આપવાની સ્થિતિમાં છે.

આ હિસાબે સરેરાશ કાઢવામાં આવે તો તે પ્રતિ નોકરીદાતા ૦.૯૧ નોકરીની આવે છે, એટલે કે એકથી પણ ઓછી સરકારી પોર્ટલ અનુસાર, આ બધા નોકરીદાતાઓનું પાન વેરીફીકેશન દ્વારા રજીસ્ટ્રેશન થયું હોવાથી તેમના બોગસ હોવાની શકયતા બહુ ઓછી છે.

પોર્ટલના આંકડાઓ અનુસાર વર્તમાન સમયમાં નોકરીઓની સૌથી વધારે તક આઇટી, નાણાકીય અને વિમા ક્ષેત્રની સાથે મેન્યુફેકચરીંગ અને ઓપરેશનના ક્ષેત્રોમાં છે.

(3:16 pm IST)