Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

પંજાબના નવા CM બન્યા ચરણજીત ચન્નીઃ રંધાવા અને સોની બન્યા નાયબ મુખ્યમંત્રી

CM બનતા જ ચન્નીએ વિજળી બિલ માફીનું કર્યું એલાન : ગરીબો - ખેડૂતોને રાહત

નવી દિલ્હી તા. ૨૦ : પંજાબના મુખ્યપ્રધાન તરીકે ચરણજીત સિંહ ચન્નીએ શપથ ગ્રહણ કર્યા છે, સાથે સુખજિંદર રંધાવા અને ઓમપ્રકાશ સોનીએ પણ પંજાબના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમરિંદર સિંહના રાજીનામા બાદ દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીને પંજાબના નવા મુખ્યપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.ત્યારે તેમણે સોમવારે રાજયના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. તેઓ પંજાબના પ્રથમ દલિત નેતા છે, જે રાજયના મુખ્યમંત્રી બન્યા છે. ૫૮ વર્ષીય ચન્ની દલિત શીખ સમુદાયમાંથી આવે છે અને અમરિંદર સરકારમાં તેઓ ટેકનિકલ શિક્ષણ મંત્રી તરીકે કાર્યરત હતા. તેઓ રૂપનગર જિલ્લાના ચમકૌર સાહિબ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. તેઓ વર્ષ ૨૦૦૭ માં પ્રથમ વખત આ પ્રદેશમાંથી ધારાસભ્ય બન્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ઘુ સહિત હરીશ રાવત અને અજય માકન પણ ચરણજીત ચન્નીને અભિનંદન આપવા માટે પહોંચ્યા હતા.

ચરણજીત ચન્નીએ રાજયના ૧૭માં મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે.પંજાબના રાજયપાલ બનવારીલાલ પુરોહિતે ચરણજીત ચન્નીને મુખ્યપ્રધાન તરીકેના શપથ લેવડાવ્યા છે. સાથે સુખજિંદર રંધાવા અને ઓમપ્રકાશ સોનીએ પણ રાજયના નાયબ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે.

૫૮ વર્ષીય ચન્નીએ પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તેના માત્ર અડધા કલાક પહેલા ઓપી સોનીનું નામ સામે આવ્યું હતું. અગાઉ બ્રહ્મ મોહિન્દ્રા વિશે દાવો કરવામાં આવી રહ્યો હતો કે તે ચન્ની સાથે શપથ લેશે. કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ ધારાસભ્યોએ શનિવારે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને નવા નેતાની પસંદગી કરવાની તમામ સત્ત્।ાઓ સર્વાનુમતે સોંપી હતી.

પંજાબમાં ૩૪ ટકાથી વધુ દલિત સમુદાયની વોટ બેંક અને ૩૪ અનામત મતવિસ્તાર છે. ભાજપે પહેલેથી જ આગામી ચૂંટણીમાં દલિત વ્યકિતને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવાની જાહેરાત કરી છે અને શિરોમણી અકાલી દળે બહુજન સમાજ પાર્ટી સાથે રાજકીય જોડાણમાં દલિત મુખ્યમંત્રી બનાવવાનો પણ નિર્ણય કર્યો છે. ચરણજીત ચન્નીને મુખ્યમંત્રી તરીકે જાહેર કરીને કોંગ્રેસ પાર્ટીએ વિપક્ષી પાર્ટીઓને રાજકીય ફટકો આપવાનો પ્રયાસ કર્યો છે.

શુક્રવારે કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસે ઘણા નામો પર ચર્ચા કરી. અંતે, ચન્ની પર નિર્ણય લેવામાં આવ્યો. એવું માનવામાં આવે છે કે સિદ્ઘુએ ચન્નીને સીએમ બનાવવા માટે દિલ્હીમાં ઉગ્ર લોબિંગ કર્યું હતું.

(3:06 pm IST)