Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

દેશભરની સ્કુલો શરૂ કરવા ધો. ૧૨ના વિદ્યાર્થીએ કરેલી અરજી સુપ્રિમે ફગાવી

વિદ્યાર્થીઓ ભણવાનું કામ કરે અરજીઓ કરવાનું નહિ

નવી દિલ્હી તા. ૨૦ : સુપ્રીમ કોર્ટે એક શાળાના વિદ્યાર્થીની અરજી ફગાવતા કહ્યું કે વિદ્યાર્થીઓ ફકત પોતાના ભણતર પર ધ્યાન કેન્દ્રીત કરે. આ પ્રકારની અરજી દાખલ ના કરે. શાળાના વિદ્યાર્થીઓ અને બાળકોને હજુ વેકિસન લગાવવામાં આવી નથી.

ખરેખર, ધોરણ-૧૨ના વિદ્યાર્થીએ આ અરજીમાં શાળા ખોલવાની માંગ કરી હતી. કોર્ટે અરજદારના વકીલને પૂછ્યુ કે શું હાલમાં જે સ્થિતિ કેરળ અને મહારાષ્ટ્રમાં છે તેમાં શાળા ખોલી શકાય? જે પણ રાજયમાં સ્થિતિ સામાન્ય થઇ રહી છે એ રાજયમાં સરકાર શાળાઓ ખોલી રહી છે. દિલ્હીમાં પણ  શાળા ખોલવાની પ્રક્રિયા ચાલી રહી છે. કોર્ટે કહ્યું કે શાળા ખોલવા માટે સરકાર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરશે.

અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે કોરોનાના કારણે ગયા વર્ષે માર્ચ-એપ્રિલથી શાળાઓ બંધ છે, જેના કારણે બાળકોને મનોવૈજ્ઞાનિક અસર પડી છે. એવા ઘણા બાળકો છે, જે તણાવનો શિકાર બન્યાં છે. જેથી શાળાઓને તાત્કાલિક ખોલવી જોઈએ.

અરજદાર અમર મુજબ, ભલે શાળાઓમાં ઓનલાઈન અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ વિદ્યાર્થીઓ આ પદ્ઘતિથી સારું શિક્ષણ મેળવી શકતા નથી. ઓનલાઈન શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓનો સંપૂર્ણ વિકાસ શકય નથી. અરજદાર અમરે રાજયોમાં કોરોના સંક્રમણની સ્થિતિને જોઇને શાળાઓ ખોલવાના નિર્ણયની માંગ પોતાની અરજીમાં મુકી હતી. અરજદારે અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે શાળાઓ ના ખોલવાથી બાળકો પર મનોવૈજ્ઞાનિક અને શારિરીક બંને રીતે ખરાબ પ્રભાવ પડી રહ્યો છે.

(3:06 pm IST)