Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

રેલવે દ્વારા બેરોજગાર યુવાનો માટે વિશેષ યોજના શરૂ : 50 હજાર યુવાનોને 4 અલગ અલગ ટ્રેડમાં આપશે તાલીમ

રેલ કૌશલ વિકાસ યોજના હેઠળ યુવાનોને ફિટર, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયનની કુશળતાની તાલીમ અપાશે : દેશમાં 75 અલગ અલગ સ્થળોએ તાલીમ કાર્યક્રમો શરૂ

નવી દિલ્હી :  ભારતીય રેલવેએ દેશના બેરોજગાર યુવાનો માટે તાલીમની વિશેષ યોજના શરૂ કરી છે. આ અંતર્ગત 50 હજાર યુવાનોને 4 અલગ અલગ ટ્રેડમાં તાલીમ આપવામાં આવશે. તાલીમ બાદ યુવાનો પોતપોતાના ક્ષેત્રમાં રોજગાર મેળવી શકશે . આ યોજનાનું નામ રેલ કૌશલ વિકાસ યોજના છે. આ યોજના હેઠળ યુવાનોને ફિટર, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયનની કુશળતાની તાલીમ આપવામાં આવશે. એવી અપેક્ષા છે કે તાલીમ પછી રેલવેમાં પણ યુવાનો માટે તકો મળી શકે છે.

રેલ કૌશલ વિકાસ યોજના અંતર્ગત દેશમાં 75 અલગ અલગ સ્થળોએ તાલીમ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. દેશના યુવાનોને રોજગારી આપવા માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. યુવાનોને ચાર અલગ અલગ ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે જેમાં વેલ્ડર, ફિટર, મશીનરી અને ઇલેક્ટ્રિશિયન જેવા ટ્રેડનો સમાવેશ થાય છે. આ તાલીમ યુવાનોને આત્મનિર્ભર અને કુશળ બનાવવાની સાથે સાથે રોજગાર મેળવવામાં પણ મદદ કરશે. આ તાલીમ કાર્યક્રમ સંપૂર્ણપણે નિ: શુલ્ક રહેશે અને યુવાનો કોઈપણ પ્રકારની ફી ચૂકવ્યા વગર 4 ટ્રેડમાં તાલીમ લઈ શકશે.

અત્રે નોંધનીય છે કે રેલવેએ સ્પષ્ટતા કરી છે કે આ યુવાનોને તે રેલવેમાં નોકરી માટે નહિ પરંતુ પગભર બનાવવા તાલીમ આપે છે . રેલવે યુવાનોને રોજગાર માટે તૈયાર કરશે. શરૂઆતમાં 1000 યુવાનો પસંદ કરવામાં આવશે જે રેલવે તાલીમ માટે લાયક રહેશે. સમગ્ર ત્રણ વર્ષમાં 50 હજાર યુવાનોને તાલીમ આપવાની યોજના છે.

વેલ્ડીંગ, ફિટર, મશીનરી અને ઇલેક્ટ્રિશિયન તાલીમ અત્યારે આપવામાં આવશે પરંતુ ભવિષ્યમાં તેમાં વધુ ટ્રેડ ઉમેરવામાં આવશે. રેલવે ઇન્સ્ટ્રુમેન્ટેશન, સિંગલિંગ, કોંક્રિટ મિક્સિંગ, રોડ વેન્ડિંગ, કોંક્રિટ ટેસ્ટિંગ, ઇલેક્ટ્રોનિક કાર્ડ રિપ્લેસમેન્ટ જેવા ટ્રેડ્સ પણ ટ્રેનિંગમાં ઉમેરવામાં આવશે. તાલીમ કાર્યક્રમનો કોર્સ બનારસ લોકોમોટિવ વર્ક્સ દ્વારા તૈયાર કરવામાં આવશે. બનારસ લોકોમોટિવ વર્ક્સને આ યોજનાનું નોડલ એકમ બનાવવામાં આવ્યું છે.

(12:43 pm IST)