Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

પડતા ઉપર પાટું

કેટલોગ અને પેકેજિંગ બોકસ પર GST વધારી ૧૨નો ૧૮ ટકા કરાયો

ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચરને દૂર કરવાની વાત વચ્ચે ટેકસટાઇલ ઉદ્યોગ ઉપર નવો બોજ

નવી દિલ્હી તા. ૨૦ : ટેકસટાઈલ અને ફૂટવેર ઈન્ડસ્ટ્રિઝ પર લાગતા જીએસટીના વિવિધ દરના કારણે ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રકચરની સ્થિતિ ઉપસ્થિત થઈ હતી. જેમાં ફેરફાર કરવા જાહેરાત થઈ છે. જેના કારણે કાપડ મોંઘુ થાય તેવી ચિંતા ઉત્પાદકોમાં જોવા મળી રહી છે. આ મુઝવણ દૂર થઈ નથી. ત્યાં કેટલોક અને પેકેજીંગ ઈન્ડસ્ટ્રિઝમાં ઉપયોગી બનતાં બોકસ તથા કેટલોગ ૫ર ૧૨ ટકાની જગ્યાએ ૧૮ ટકા જીએસટી કરવા જાહેરાત થઈ ચૂકી છે. જેની સીધી અસર ટેકસટાઈલને થવાની છે.

વીવર્સને લાગતી ૧૨ ટકા જયારે ટ્રેડ્સને લાગતી પ ટકા જીએસટીના કારણે હાલમાં વીવીંગ ઉદ્યોગને રિફંડ મળી રહ્યુ છે. શુક્રવારે મળેલી જીએસટી કાઉન્સિલની મિટીંગ પ્રમાણે ઈન્વર્ટેડ ડયુટી સ્ટ્રકચરને દૂર કરવાની જાહેરાત થઈ છે. જે સંભવતઃ કાપડની સમગ્ર ચેઈન પર એકસમાન જીએસટીનો દર થશે. જેના કારણે કાપડ પર ટેકસ વધે અને ટેકસટાઈલ ચેઈનમાં મળતું રિફંડ અટકી જાય તેની ચિંતા વધી છે. ત્યાં કાઉન્સિલમાં થયેલી વધુ એક જાહેરાતથી ટેકસટાઈલ ઉધોગકારોના માથે બોજ વધવાનો છે. પેકેજીંગ અને કેટલોગ ઈન્ડસ્ટ્રિઝ પર જીએસટીના દર ૧૮ ટકા કરી દેવાયા છે. જેમાં પહેલાં પણ પેકેજીંગ ઈન્ડસ્ટ્રિઝની કેટલીક કેટેગરી પર ૧૮ ટકા જીએસટી લાગતા હતા પરંતુ તેમાં બોકસ પર ૧૨ ટકા જીએસટી લાગતો હતો. જે વધીને ૧૮ ટકા કરી દેવામાં આવ્યો છે. જેના કારણે બોકસ ઈન્ડસ્ટ્રિઝ પર ભાર વધતાં પેકેજીંગનો ખર્ચ વધશે. આ પ્રમાણે જ કેટેલોગ પર જીએસટીના દર ૧૮ ટકા કરી દેવામાં આવ્યા છે. જે પણ અગાઉ ૧૨ ટકા હતો.આ બંન્નેનું ભારણ ટેકસટાઈલ ઉત્પાદકોને થનારૂ છે.

(10:06 am IST)