Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

છેલ્લે ૧૮ જાન્યુઆરી,૨૦૨૦ના રોજ તેઓ મ્યાનમારના પ્રવાસે ગયા હતા

૬૦૦ દિવસથી વિદેશ યાત્રા નહીં, ફકત ફોન પર જ વાત, શું બીમાર છે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ ?

બેઇજિંગ,તા.૨૦: ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની તબિયતને લઈને અનેક અફવા ફેલાઈ રહી છે. વિદેશી પ્રવાસ પ્રત્યે ઉદાસીનતાને પણ તેમની તબિયત સાથે જોડવામાં આવી રહી છે. એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છો કે શી જિનપિંગ આમને સામને વાતચીત કરી શકે તેવી સ્થિતિમાં નથી. વિવિધ અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ ખૂબ બીમાર છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે છેલ્લા ૬૦૦ દિવસમાં એક પણ વિદેશ પ્રવાસ નથી કર્યો. અંતે તેઓ ૧૮ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ મ્યાનમારના પ્રવાસે ગયા હતા. જે બાદમાં તેઓ દેશ બહાર નથી ગયા. જોકે, તાજેતરમાં તેઓ તિબેટ પહોંચ્યા હતા, જે કોઈ ચીની રાષ્ટ્રપ્રમુખનો પ્રથમ તિબેટ પ્રવાસ હતો. ચીન તિબેટ પર પોતાનો દાવો કરી રહ્યું હોવાથી તેને વિદેશ યાત્રા ન ગણી શકાય.

યૂએસ ટુડેના રિપોર્ટ પ્રમામણે આજકાલ શી જિનપિંગ કોઈ પણ વિદેશી વ્યકિતને રૂબરૂ નથી મળી રહ્યા. એવો કોઈ વિદેશી નેતા પ્રવાસ નથી કરી રહ્યો જેમની શી જિનપિંગ સાથે મુલાકાત હોય. જો કોઈ વિદેશી પ્રવાસ કરે છે તો પણ તે બેઇજિંગ સિવાય અન્ય શહેરની મુલાકાત કરે છે. જેના પગલે જિનપિંગ સાથે મુલાકાત જરૂરી ન રહે. વિદેશ મંત્રી વાંગ યી હી જ તમામ નેતાઓ સાથે મુલાકાત કરે છે.

મીડિયા રિપોર્ટમાં માર્ચ ૨૦૧૯માં જિનપિંગનો ઇટાલી, મોનાકો અને ફ્રાંસ પ્રવાસનો ઉલ્લેખ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન ગાર્ડ ઓફ ઓનર દરમિયાન જોવા મળ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ શરીરનું બેલેન્સ રાખી શકતા ન હતા. જયારે ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ સાથે વાતચીત દરમિયાન ખુરશી પર બેસતી વખતે તેમણે ખુરશીના હેન્ડલનો સહારો લીધો હતો.

 રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્વાસ્થ્યને પગલે જિનપિંગ હાલ મોટાભાગે ટેલિફોન પર જ વાતચીત કરે છે. તાજેતરમાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ અને ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ મક્રોન સહિત આશરે ૬૦ દેશના રાષ્ટ્રપ્રમુખ સાથે પોન પર વાતચીત કરી હતી.

રાષ્ટ્રપ્રમુખ જિનપિંગે વર્ચ્યુઅલ માધ્યમથી અનેક પ્રસંગોએ હાજરી નોંધાવી છે. બ્રિકસની ૯ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ આયોજિત બેઠકમાં પણ તેઓ વ્યકિતગત રૂપે હાજર રહેવાને બદલે વર્ચ્યુઅલ રીતે હાજર રહ્યા હતા.

 શેનઝેન વિશેષ ઇકોનોમિક ઝોનની સ્થાપનાની ૪૦મી વર્ષગાંઠ પર શી જિનપિંગ નિર્ધારિત સમય કરતા ખૂબ મોડા ભાષણ આપવા માટે મંચ પર પહોંચ્યા હતા. આ સમયે તેઓ સામાન્ય કરતા ખૂબ ધીમું બોલી રહ્યા હતા. વચ્ચે વચ્ચે તેમને ખાંસી પણ આવી રહી હતી. ભાષણ વચ્ચે તેઓ પાણી પણ પી રહ્યા હતા.

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જિનપિંગ તાજેતરમાં જ અમેરિકાના વિદેશ મંત્રી, સિંગાપુરના વડાપ્રધાન, ડેનિશ વડાપ્રધાન સાથે કોઈ કારણ વગર જ મુલાકાત સ્થગિત કરી ચૂકયા છે.

(10:02 am IST)