Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

કર્ણાટકની યુવતીએ મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

જયાં સુધી ગામમાં રસ્તો નહીં બને ત્યાં સુધી લગ્ન નહીં કરૃં

ગામના લોકોને રસ્તાની ખરાબ સ્થિતિને કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

બેંગ્લોર,તા.૨૦: દેશના ગ્રામીણ વિસ્તારોમાં જાહેરાતના રસ્તાઓને લઈને આજે પણ લોકોની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે કર્ણાટકમાં એક યુવતીએ રસ્તાઓની ખરાબ સ્થિતિને કારણે ઉભી થયેલી ગંભીર સમસ્યા પર પ્રકાશ ફેંકવાનો પ્રયાસ કર્યો છે.

 તેમણે કર્ણાટકના મુખ્યપ્રધાન બાસવરાજ બોમ્મઈને પત્ર લખીને જણાવ્યુ હતુ કે તેના ગામમાં રસ્તાઓની ખરાબ સ્થિતિને કારણે તેણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પાકો રસ્તો ન હોવાથી લોકોએ ૧૪ કિલોમીટરથી વધુ અંતર સુધી ચાલવાની ફરજ પડી રહી છે, સાથે તેમણે મુખ્યપ્રધાનને જણાવ્યુ હતુ કે 'જયાં સુધી ગામમાં રસ્તો નહીં બને ત્યાં સુધી તે લગ્ન કરશે નહીં'.

બિંદુના આ પત્રને મુખ્યમંત્રી કાર્યાલય તરફથી પ્રતિસાદ મળ્યો છે અને અધિકારીઓએ ખાતરી આપી છે કે આ મુદ્દો તાત્કાલિક પગલા લેવામાં આવશે. પંચાયત વિકાસ અધિકારી, માયાકોંડાએ જણાવ્યુ હતુ કે 'અમે પહેલાથી જ આ રસ્તાના વિકાસ માટે ૧-૨ લાખ રૂપિયા ખર્ચ કરી ચૂકયા છીએ, પરંતુ તે પૂરતું નથી. રસ્તાને ટેરિંગ કરવા માટે અમને ૫૦ લાખથી ૧ કરોડ રૂપિયાની જરૂર છે. અમે આ રકમ મંજૂર કરવા માટે સરકાર અને સ્થાનિક ધારાસભ્યને વિનંતી કરી છે'

CMOએ ગ્રામીણ વિકાસ અને પંચાયત વિભાગને તાત્કાલિક કામગીરી હાથ ધરવા અને તેમને થઈ રહેલા કામો વિશે અપડેટ રાખવા સૂચના આપી છે. રસ્તાની સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ અધિકારી  બિલાગીએ બિંદુ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને રસ્તો તાત્કાલિક રીપેર કરાવવાની ખાતરી પણ આપી હતી.

તેમણે જણાવ્યુ હતુ કે '૬૦ લાખ રૂપિયાનો રોડ વર્ક પ્રોજેકટ મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે અને જરૂરી મંજૂરી મળ્યા બાદ તરત જ કામ હાથ ધરવામાં આવશે.'ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે 'અમે ગામ માટે નવો રસ્તો બનાવીશું અને તમારા લગ્નને પણ સરળ બનાવીશું.'

(10:02 am IST)