Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ઉતરકોરીયાને હવે પરમાણુ હથિયારો બનાવવાની લગની લાગી

પૂર્વ આયોજનના ભાગ રૂપે મોટો જથ્થો એકત્ર કરવા લાગ્યા : ભવિષ્યમાં દુનિયા માટે ઉત્તરકોરિયા ખતરાની ઘંટડી બની શકે છે

અમેરિકન ન્યૂક્લિયર એક્સપર્ટ્સના દાવા પ્રમાણે ઉત્તર કોરિયાએ પરમાણુ હથિયારો બનાવવા માટે યૂરેનિયમનો મોટો જથ્થો એકઠો કર્યો છે. સેટેલાઈટ ઈમેજમાં જણાયું હતું કે યોંગબ્યોંગ ન્યૂક્લિયર રીસર્ચ સેન્ટરમાં યુરેનિયમનો જથ્થો રાખવામાં આવ્યો છે.

અમેરિકાના જેફરી લેવિસ સહિતના ત્રણ ન્યૂક્લિયર એક્સપર્ટે સેટેલાઈટ ઈમેજનો અભ્યાસ કર્યો હતો. એના આધારે દાવો કર્યો હતો કે ઉત્તર કોરિયા પાસે યુરેનિયમનો મોટો જથ્થો પડયો છે. યોંગબ્યોંગ ન્યૂક્લિયર રીસર્ચ સેન્ટરમાં 1000 સ્કેવર મીટરમાં ન્યૂક્લિયર પ્રોગ્રામ ચલાવાઈ રહ્યો છે. ત્યાં જ આ જથ્થો સ્ટોર રાખવામાં આવ્યો છે. મેક્સારે લીધેલી સેટેલાઈટ ઈમેજનો વિગતવાર અભ્યાસ કર્યા પછી આ અહેવાલ આપવામાં આવ્યો હતો.

અમેરિકન એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે ઉત્તર કોરિયા પાસે 25 ટકા જેટલું યુરેનિયમ છે. યુએનના વૈશ્વિક ધારાધોરણ પ્રમાણે વધુમાં વધુ પાંચ ટકા યુરેનિયમનો જથ્થો સંગ્રહ કરવાની પરવાનગી મળે છે. એ સિવાયનો જથ્થો હોય તો એ દેશ પર પ્રતિબંધ મૂકી શકાય છે.

અગાઉ દક્ષિણ કોરિયાએ દાવો કર્યો હતો કે ઉત્તર કોરિયા પાસે ઓછામાં ઓછાં 60 પરમાણુ હથિયારો છે. જોકે, તે બાબતે કોઈ પુરાવા ન હોવાથી આટલી સંખ્યામાં પરમાણુ હથિયારો હોવા બાબતે શંકા છે. છતાં એવી પૂરી શક્યતા છે કે ઉત્તર કોરિયાએ ચીન અને રશિયાની મદદથી પરમાણુ હથિયારો વિકસિત કરી લીધા છે.

ઉત્તર કોરિયાએ છ મહિના પછી રેલવે મોબાઈલ મિસાઈલ ટેકનોલોજી વિકસાવીને ટ્રેનમાંથી મિસાઈલ છોડવાનું પરીક્ષણ કર્યું હતું. ઉત્તર કોરિયાએ ટ્રેનમાંથી બેલાસ્ટિક મિસાઈલ છોડવાની ક્ષમતા વિકસાવી લીધી હોવાથી દક્ષિણ કોરિયા સહિતના દેશોએ આશ્વર્ય વ્યક્ત કર્યું હતું.

(1:26 pm IST)