Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ન ઇન્કમટેક્ષ ભરવાનો કે ન ભરવાનો જીએસટી : બે પાનવાળાએ કોરોનાકાળમાં ૫ કરોડની પ્રોપર્ટી લીધી

પાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ

કાનપુરમાં આવા લોકો કરોડોમાં રહે છે : ફળો વેંચનારા પણ સેંકડો વીઘા કૃષિ જમીનના માલિક છે : કેટલાક કબાડી પાસે ૩-૩ તો કાર છે : આવા લોકો એ ૪ વર્ષમાં ખરીદી ૩૭૫ કરોડની પ્રોપટી આયકર ખાતાએ હવે લીધા સાણસામાં : આ માત્ર પાશેરામાં પહેલી પુણી

કાનપુર,તા. ૨૦ : રોડના કિનારે લારી-ગલ્લામાં પાન, નાસ્તો, ચાટ, સમોસા વેચી વેચીને સેંકડો વેપારીઓ કરોડોમાં રમી રહ્યા છે. ગલી મહોલ્લાના નાના-નાના કરિયાણા અને દવાના વેપારીઓ પણ કરોડપતિ છે. ફળો વેચનારાઓ પણ સેંકડો વીઘા ખેતીની જમીનના માલિક છે. તમારી પાસે કદાચ એકાદી કાર હશે પણ કેટલાક ભંગારીયાઓ પાસે ત્રણ ત્રણ કાર છે. પણ આ લોકો આવકવેરા કે જીએસટીના નામે એક પૈસો પણ નથી ચૂકવતા બીગ ડેટા સોફટવેર, આવકવેરા વિભાગ અને જીએસટી રજીસ્ટ્રેશનની તપાસમાં આવા ૨૫૬ લારી ગલ્લા વાળા કરોડપતિ મળ્યા છે.

દેખાવમાં 'ગરીબ' દેખાતા આવા છુપા ધનીકો પર આવકવેરા વિભાગની ઘણા સમયની નજર નહી. ફકત ઇન્કમ ટેક્ષ આપનારા અને રિટર્ન ભરનારાઓના મોનીટરીંગ ઉપરાંત શેરી-ગલીઓમાં આડેધડ તગડી કમાણી કરી રહેલા આવા વેપારીઓના ડેટા પણ વિભાગ સતત એકઠો કરી રહ્યો છે. અતિ આધુનિક ટેકનોલોજીએ આવા ગુપ્ત કરોડપતિઓને પકડવાનું શરૂ કરી દીધુ છે.

જીએસટી રજીસ્ટ્રેશન વગરના આ વેપારીઓએ એક પૈસાનો ટેક્ષ નથી ભર્યો પણ ચાર વર્ષમાં ૩૭૫ કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી લીધી છે. આ સંપતિઓ આર્યનગર,સ્વરૂપ નગર,બિરહાના રોડ, હુલાગંજ, પીરોડ, ગુમટી જેવા અત્યંત મોંઘા કોમર્શીયલ વિસ્તારોમાં ખરીદાઇ છે. દક્ષિણ કાનપુરમાં રહેણાંક જમીનો પણ ખરીદાઇ હતી આ લોકોએ ૩૦ કરોડથી વધારેના કેવીપી ખરીદ્યા હતા. આ ઉપરાંત ૬૫૦ વીઘા ખેતીના માલિક પણ તેઓ બની ગયા હતા. આર્યનગરની બે સ્વરૂપનગરની એક અને બિરહાના રોડની બે પાનની દુકાનમાં માલિકોએ કોરોના કાળમાં પાંચ કરોડની પ્રોપર્ટી  ખરીદી છે. માલરોડનો ખસ્તા કચોરીવાળો અલગ અલગ જગ્યાએ દર મહિને સવા લાખનું ભાડુ ચુકવે છે.

આવકવેરા વિભાગના એક સીનીયર અધિકારી અનુસાર, જ્યારે જોરદાર કમાણી થઇ રહી હોય ત્યારે દરેક વ્યકિત રોકાણના માર્ગ શોધે જ છે. લારી -ગલ્લા વાળાઓની જીવનશૈલી સાદી હોવાથી તેમના ખર્ચા સીમીત હોય છે અને બચત વધારે હોય છે. પૈસા કોઇ વિભાગની નજરે ના ચડે તે માટે તેમણે ચાલાકી તો દેખાડી પણ થાપ ખાઇ ગયા. નજરથી બચવા માટે સહકારી બેંકો અને સ્મોલ ફાઇનાન્સમાં ખાતા ખોલાવ્યા. પ્રોપર્ટીમાં મોટાભાગે રોકાણભાઇ, ભાભી, કાકા, મામા અને બહેનાા નામે કર્યું. પણ પાન કાર્ડ પોતાનું જોડી દીધું અને પાન કાર્ડના આધારે તેમની પોલ પકડાઇ ગઇ.

(11:00 am IST)