Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

વિશ્વમાં નવા વાયરસની એન્ટ્રી: મંકીપૉક્સએ દેખા દેતા WHOએ બોલાવી ઈમરજન્સી બેઠક

દુનિયાભરના દેશોમાં કોરોના બાદ નવા વાયરસની એન્ટ્રી: બેઠકમાં આ મુદ્દા પર થશે ગંભીરતાથી ચર્ચા

નવી દિલ્હી : વિશ્વના  અમુક દેશોમાં મંકીપોક્સ વાયરસના વધતા કેસોએ ચિંતા વધારી છે. આ તમામની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ મીટિંગનો મુખ્ય એજન્ડા આ વાયરસના ટ્રાંસમમિશનના કારણો અને માધ્યમ પર ચર્ચા કરવાનો રહેશે.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સમલૈંગિક લોકોની વચ્ચે આ વાયરસના પ્રસાર થવાનો સૌથી વધારે ખતરો છે. રશિયાની એક ન્યૂઝ એજન્સીએ શુક્રવારે આ પ્રકારનું તારણ કાઢ્યું હતું. મે મહિનાની શરૂઆતમાં બ્રિટેન, સ્પેન, બેલ્ઝિયમ, ઈટલી, ઓસ્ટ્રેલિયા અને કેનેડા સહિત કેટલાય દેશોમાં મંકીપોક્સ વાયરસના લક્ષણ મળ્યા છે.

યુકેની હેલ્થ એજન્સીએ 7 મેના રોજ ઈંગ્લેન્ડમાં મંકીપોક્સ વાયરસના પ્રથમ કેસની પુષ્ટિ કરી હતી. સંક્રમિત દર્દી નાઈઝિરીયાથી આવ્યો હતો. તો વળી 18 મેના કોજ અમેરિકામાં પણ એક વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત મળ્યો હતો, જે કેનેડાથી મુસાફરી કરીને પાછો આવ્યો હતો. 

વૈજ્ઞાનિકોના મતે મંકીપોક્સ શીતળાના વાયરસના પરિવાર સાથે સંબંધિત છે. જો કે તે બહુ ગંભીર નથી અને નિષ્ણાતો કહે છે કે, ચેપની શક્યતા ઓછી છે. તેના પ્રારંભિક લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સોજો, પીઠનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને સામાન્ય સુસ્તીનો સમાવેશ થાય છે.

એકવાર તાવ ઉતરી જાય પછી, આખા શરીરમાં ફોલ્લીઓ થઈ શકે છે. આ ફોલ્લીઓ ઘણીવાર ચહેરા પર શરૂ થાય છે, પછી શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે, સામાન્ય રીતે હાથની હથેળીઓ અને પગના તળિયા. ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી મંકીપોક્સ થઈ શકે છે.

આ વાયરસ ત્વચા, શ્વસન માર્ગ અથવા આંખો, નાક અથવા મોં દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે. તે વાંદરાઓ, ઉંદરો અને ખિસકોલી જેવા ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્ક દ્વારા અથવા વાયરસથી દૂષિત વસ્તુઓ, જેમ કે પથારી અને કપડાંના સંપર્ક દ્વારા પણ ફેલાય છે.

(7:58 pm IST)