Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

કર્ણાટકમાં આયર્ન ઓરના વેચાણ પરનો પ્રતિબંધ સુપ્રીમે હટાવ્યો

ખાણ ઓપરેટરોની પ્રતિબંધ હટાવવાની અરજી પર ચુકાદો : જોકે કોર્ટે ભારત સરકાર દ્વારા નક્કી નિયમો અને શરતોને આધીન આ આયર્ન ઓરની નિકાસને મંજૂરી આપી

નવી દિલ્હી, તા.૨૦ : સુપ્રીમ કોર્ટે શુક્રવારે કર્ણાટકમાં આયર્ન ઓરના વેચાણ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. જોકે કોર્ટે ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ નિયમો અને શરતોને આધીન આ આયર્ન ઓરની નિકાસને મંજૂરી આપી છે. કોર્ટે ખાણ ઓપરેટરોને ઈ-ઓક્શન વગર જ આગોતરા કરાર કરીને ખનન કરેલ આયર્ન ઓર વેચવાની મંજૂરી આપી છે.

ભારતના ચીફ જસ્ટિસ એન.વી. રમના, જસ્ટિસ કૃષ્ણા મુરારી અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે કર્ણાટકમાંથી મોટા આયર્ન ઓરના વેચાણ અને નિકાસ પરના પ્રતિબંધો હટાવવાની માંગ કરતી ખાણ ઓપરેટરો દ્વારા દાખલ કરાયેલી અરજીઓની બેચ પર આ આદેશ આપ્યો હતો. ૨૦૧૧માં અનેક નીતિ-નિયમોમાં ઉલ્લંઘનને પગલે પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.

સીજેઆઈ રમનાએ આદેશમાં કહ્યું કે અમે સરકારની વાત સાથે સંમત છીએ કે કર્ણાટકમાં ખાણો દેશના અન્ય લોકોની સાપેક્ષે સમાન ધોરણે હોવી જોઈએ. ત્યારથી જ માત્ર ઈ-ઓક્શન થકી વેચાણનો વિકલ્પ હતો પરંતુ હવે પરિસ્થિતિ બદલાતા આ ત્રણ જિલ્લામાં આયર્ન ઓર માટેની સિસ્ટમની સમીક્ષા કરવાનો સમય પાકી ગયો છે.

ઈ-ઓક્શનને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. તમામ ફેરફારોને ધ્યાનમાં રાખીને આયર્ન-ઓરના વેચાણ પરનો પ્રતિબંધ અને કિંમતો પરના નિયંત્રણો દૂર કરવાની જરૃર છે.

કોર્ટે કહ્યું કે અમે કર્ણાટકના ત્રણ જિલ્લાઓમાં પહેલેથી જ ખોદવામાં આવેલ આયર્ન ઓરનો સ્ટોક અને અન્ય કોમોડિટી વેચવાની મંજૂરી આપીએ છીએ અને ઈ-ઓક્શનનો આશરો લીધા વિના સીધો કરાર કરીને આયર્ન ઓરની ફાળવણી કરીએ છીએ.

ભારત સરકારની પોલિસી અંતર્ગત અરજદારને કર્ણાટકમાં ઉત્પાદિત આયર્ન ઓર વિદેશમાં નિકાસ કરવાની છૂટ છે.

(7:48 pm IST)