Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

પાક. વિદેશ મંત્રીએ યુએન મંચ પર ફરી કાશ્મીર રાગ આલાપ્યો

પાક.માં સરકાર બદલાઈ પણ ભારત પ્રત્યેનું વલણ યથાવત : યુએનની સિક્યુરિટી કાઉન્સિલની બેઠકમાં અન્ન સુરક્ષા વિષય પર ઓપન ડિબેટમાં ઝરદારીએ ભારત વિરૃદ્ધ ઝેર ઓંક્યું

નવી દિલ્હી, તા.૨૦ : પાકિસ્તાનમાં સરકાર ગમે તે હોય પણ કાશ્મીર રાગ એનો એજ હોય છે. પાકિસ્તાનમાં નવી સરકાર બન્યા બાદ વિદેશ મંત્રી બનેલા બિલાવલ ભુટ્ટો જરદારીએ યુએનના મંચ પરથી ફરી કાશ્મીરનુ ગાણુ ગાયુ છે. યુએનની સિક્યુરિટી કાઉન્સિલની બેઠકમાં અન્ન સુરક્ષા વિષય પર ઓપન ડિબેટમાં ઝરદારીએ કહ્યુ હતુ કે, યુએનની સ્થાપના જ એટલા માટે થઈ હતી કે, દુનિયાના વિવિધ દેશો વચ્ચેના ઝઘડાનો ઉકેલ લાવે, યુધ્ધ સમાપ્ત કરે અને શાંતિ સ્થાપે.

પોતાના ભાષણમાં ઝરદારીએ જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરવાના ભારત સરકારના નિર્ણયની ટીકા કરીને તેને યુએનના પ્રસ્તાવનુ ઉલ્લંઘન ગણાવ્યો હતો. સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, કાશ્મીરી લોકો પર ભારત અત્યાચાર કરી રહ્યુ છે. ભારત દ્વારા કલમ ૩૭૦ સમાપ્ત કરવાનો નિર્ણય તેમજ કાશ્મીરમાં નવા સીમાંકન જેવી કાર્યવાહી કાશ્મીરના લોકો પર હુમલો જ નહીં પણ યુએન અને જિનેવા કન્વેશન પર પણ હુમલો છે.

ઝરદારીએ કહ્યુ હતુ કે, કાશ્મીરમાં મુસ્લિમ બહુમતીને તેમની જ જમીન પર લઘુમતીમાં લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. કાશ્મીરના યુવાઓ સામે સવાલ છે કે, આ સંઘર્ષનો ઉકેલ કેવી રીતે લાવશે અને આ બધાની વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર હાથ પર હાથ મુકીને બેઠુ છે. જે લોકો અન્નની સુરક્ષાને લઈને ચિંતામાં છે તેમને અમે કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવા માટે પડકાર ફેંકીએ છે. દક્ષિણ એશિયામાં શાંતિ સ્થપાય તો ભારત અને પાકિસ્તાનના ખેડૂતો દુનિયાનુ પેટ ભરી શકે તેમ છે.

તેમણે કહ્યુ હતુ કે, ઘઉંની નિકાસ પર ભારતે મુકેલા પ્રતિબંધની નિંદા કરવાની જરૃર છે.

 

(7:46 pm IST)