Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

બજારમાં વેચાઈ રહેલી છત્રી સોશિયલ મીડિયા ટ્રેન્‍ડમાં

એક છત્રીની કિંમત ૧,૬૪૪ ડોલર એટલે કે, ૧,૨૭,૭૪૬ રૂપિયા છે : આ છત્રી વરસાદમાં બચાવી શકતી નથી, પરંતુ તડકાથી રક્ષા કરી શકે છે

નવી દિલ્‍હી તા. ૨૦ : મોટાભાગે લોકો છત્રી વરસાદમાં પોતાને બચાવવા માટે ખરીદતા હોય છે. પરંતુ માર્કેટમાં એક એવી છત્રી જોવા મળી રહી છે જે વરસાદમાં બચાવી શકતી નથી, પરંતુ તડકામાં તમને સુરક્ષા આપી શકે છે. જો કે, આ છત્રીને બજારમાં લોકોની ટિકાનો સામનો કરવો પડી રહ્યો છે. સ્‍પોર્ટવેર માટે જાણીતા લક્‍ઝરી ફેશન હાઉસ ગુચ્‍ચી અને એડિડાસે ચીનના બજારમાં કિંમતી છત્રી ઉતારી છે. આ એક છત્રીની કિંમત ૧,૬૪૪ ડોલર એટલે કે, ૧,૨૭,૭૪૬ રૂપિયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે, આ છત્રી લોકોને વરસાદમાં ભીંજાતા બચાવી શકતી નથી. કેમ કે તે વોટરપ્રુફ નથી. આ છત્રી જોવામાં સન અમ્‍બ્રેલા જેવી લાગે છે. પરંતુ તેની કિંમતે લોકોને ચોંકાવી દીધા છે. ગુચ્‍ચીની વેબસાઈટ અનુસાર, એડિડાસક્‍સ ગુચ્‍ચી લાઈનનો ભાગ, આ સન અમ્‍બ્રેલામાં ઇન્‍ટરલોકિંગ જી અને ટ્રેફિલ ડિઝાઈન સામેલ છે. ગુચ્‍ચીનું કહેવું છે કે છત્રીમાં કોતરવા આવેલ સેન્‍ટી-લાકડીનું હેન્‍ડલ, લીલો અને લાલ વેબ અને એક જી આકારનું હેન્‍ડલ છે.

જો કે, આ આઇટમ વોટરપ્રુફ નથી અને તડકામાં સુરક્ષા અથવા સજાવટ માટે ઉપયોગ કરવામાં આવી શકે છે. આ છત્રીના સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ઘણા લોકો પૂછી રહ્યા છે કે, એક છત્રી જે વરસાદને પણ રોકી શકતી નથી તેને આટલી મોંઘી કિંમત પર કેમ વેચવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્‍યું કે ગુચ્‍ચી અને એડિડાસ ચીનમાં એક છત્રી ૧,૬૪૪ ડોલરમાં વેચવા માટે ચર્ચામાં છે. જે વરસાદને પણ રોકી શકતી નથી. આ અઠવાડિયે, હેશટેગ ‘‘૧૧,૧૦૦ યુઆન અમ્‍બ્રેલા કોલાબ વોટરપ્રુફ નથી'' ને ટ્‍વિટર જેવા પ્‍લેટફોર્મ Weibo પર ૧૪૦ મિલિયનથી વધારે વખત જોવામાં આવ્‍યું. કન્‍સલ્‍ટિંગ ફર્મ બેન એન્‍ડ કંપનીના શોધ અનુસાર ચીનમાં લક્‍ઝરી ચીજવસ્‍તુઓની નોંધપાત્ર માંગ છે અને ૨૦૨૫ સુધી દુનિયાનું સૌથી મોટું લક્‍ઝરી બજાર બનવાના માર્ગ પર છે.

(11:26 am IST)