Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

હવે મહિલા ન્‍યુઝ એન્‍કર ચહેરો ઢાંકી વાંચશે સમાચાર

તાલિબાનનું નવું ફરમાન

કાબુલ,તા.૨૦: અફઘાનિસ્‍તાનની સત્તા પર કબજો કર્યા બાદ મહિલાઓ માટે તાલિબાન નવા-નવા ફરમાન જારી કરી રહ્યું છે. હવે તાલિબાને મહિલા ન્‍યૂઝ એન્‍કરો માટે વધુ એક ફરમાન જાહેર કર્યું છે. તાલિબાનના નવા આદેશ પ્રમાણે તમામ ટીવી ચેનલો પર કામ કરનારી મહિલા એન્‍કરોએ શો કરતા સમયે પોતાનો ચહેરો ઢાંકવો પડશે.

અફઘાનિસ્‍તાનની સ્‍થાનીક સમાચાર ચેનલ ટોલોન્‍યૂઝ અનુસાર તાલિબાનના સૂચના અને સાંસ્‍કૃતિક મંત્રાલયે ફરમાન જાહેર કરતા તેને અંતિમ નિર્ણય ગણાવ્‍યો અને કહ્યું કે અફઘાનિસ્‍તાનમાં તમામ મીડિયા આઉટલેટ્‍સ માટે આ આદેશ જાહેર કરવામાં આવ્‍યો છે.

મહત્‍વનું છે કે અફઘાનિસ્‍તાનમાં તાલિબાન રાજની શરૂઆત થતાં મહિલાઓ વિરુદ્ધ અત્‍યાચાર અને પ્રતિબંધો સતત વધારવામાં આવી રહ્યાં છે.

વર્ષ ૨૦૨૧માં ઓગસ્‍ટ મહિનામાં અફઘાનિસ્‍તાનમાં તાલિબાનની સત્તા આવ્‍યા બાદ મહિલાઓએ અનેક પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે. સત્તામાં આવ્‍યા બાદ તાલિબાને મહિલાઓનો અભ્‍યાસ બંધ કરાવી દીધો હતો. જયારે વિરોધ થયો તો માત્ર છઠ્ઠા સુધી છોકરીઓને શાળાએ જવાની મંજૂરી આપવામાં આવી. તાલિબાને મહિલાઓના પહેરવેશથી લઈને અનેક બાબતો પર પ્રતિબંધો લાગૂ કર્યા છે.

(10:08 am IST)