Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

મ.પ્રદેશઃ ભાજપના નેતાઓએ લાજશરમ નેવે મૂકીઃ કોવિડ શબવાહિની પાસે પડાવ્યા ફોટા

પ્રસિદ્ઘિ ભૂખ્યા નેતાઓએ શબવાહિનીને હાર પહેરાવ્યોઃ ડ્રાઈવરને પીપીઈ કિટ પહેરાવીને ઉભો રાખી દીધો અને ફોટોસેશન કરાવી લીધું

ભોપાલ, તા.૨૦: હજુ બે દિવસ પહેલા જ ઓકિસજનના ટેન્કરને રોકી લઈ તેની સાથે ફોટા પડાવવામાં બે કલાક બરબાદ કર્યા બાદ હવે ભાજપના નેતાઓએ એક નવો વિવાદ ઉભો કર્યો છે. મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં ભાજપના નેતાઓએ કોરોનાના મૃતકોને સ્મશાન સુધી પહોંચાડવા દાનમાં અપાયેલી શબવાહિનીઓ સાથે પણ ફોટા પડાવવાની તક જવા ના દેતા લોકો સોશિયલ મીડિયા પર પ્રસિદ્ઘિ ભૂખ્યા નેતાઓની ટીકા કરી રહ્યા છે.

છ શબવાહિનીને પક્ષ દ્વારા ફુલના હાર પહેરાવાયા હતા, તેના ડ્રાઈવરને પીપીઈ કિટ પહેરીને આગળ ઉભો રાખી દેવામાં આવ્યો હતો, અને ત્યારબાદ નભોપાલના પૂર્વ મેયર અશોક શર્મા અને ભાજપના અન્ય નેતાઓએ શબવાહિની આગળ ઉભા રહીને ફોટા પડાવ્યા હતા.

મધ્યપ્રદેશમાં કોરોનાના કેસો અને તેના કારણે થઈ રહેલા મૃત્યુની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. સત્ત્।ાવાર રીતે રાજયમાં છેલ્લા ૧૫ દિવસમાં ૬૦૦ લોકોના મોત દર્શાવાયા છે, પરંતુ સ્મશાન તેમજ કબ્રસ્તાનોમાં કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીં અંતિમવિધિ માટે ના માત્ર કલાકોનું વેઈટિંગ ચાલી રહ્યું છે, પરંતુ એકથી વધુ મૃતદેહોના સામૂહિક અંતિમ સંસ્કાર પણ કરવામાં આવી રહ્યા છે.

શબવાહિનીઓને ડોનેટ કરી વેળાએ ભાજપના ઉપપ્રમુખ એવા શર્માએ જણાવ્યું હતું કે, કોરોનાથી મોતને ભેટલા લોકોના મૃતદેહોને સ્મશાન લઈ જવા માટે હાલ જે વ્યવસ્થા છે તે અપૂરતી છે. કોવિડ કેર સેન્ટર્સમાં છ શબવાહિની પૂરી પાડવામાં આવી છે. દ્યણા કિસ્સામાં મૃતક અને તેમના સગા બહારગામથી આવેલા હોવાના કારણે મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવામાં કલાકો લાગી જાય છે.

ભાજપના નેતાઓએ શબવાહિની પાસે ફોટા પડાવ્યાના મામલે કોંગ્રેસના પ્રવકતા નરેન્દ્ર સલૂજાએ જણાવ્યું હતું કે ભાજપ આફતમાં પણ અવસર શોધી રહ્યો છે. પક્ષના નેતાઓ હલકી પ્રસિદ્ઘિની એકેય તક છોડતા નથી. તેમણે હાલમાં જ ઈન્દૌરમાં ઓકિસજન ટેન્કરને રોકીને તેની સાથે ફોટા પડાવ્યા હતા, જેના કારણે ટેન્કરને હોસ્પિટલે પહોંચવામાં મોડું થયું હતું.

(4:08 pm IST)