Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

૨૦૨૦ના દ્રશ્‍યો જીવંત

દિલ્‍હીથી લઇને રાજસ્‍થાન-મહારાષ્‍ટ્ર સુધી એક જ નજારોઃ શ્રમિકોના ટોળે-ટોળા રસ્‍તા ઉપર લાખો શ્રમિકોની વતન વાપસી

બસો-ટ્રેનો-ટ્રકો ભરી-ભરીને શ્રમિકોની વતન ભણી દોટઃ રોજી-રોટી મુખ્‍ય કારણઃ ચારેકોર ભીડ જોતા સંક્રમણ

નવી દિલ્‍હી, તા.૨૦: કોરોના વાયરસની જારી બેકાબુ રફતારે દેશને ફરી એક વખત ગયા વર્ષની સ્‍થિતીમાં મૂકી દીધા છે. આ મહાસંકટને નાથવા વિવિધ રાજયોએ લાદેલા આકરા પ્રતિબંધોને કારણે લાખો શ્રમિકોમાં વતન વાપસી ભણી દોટ મૂકતા ૨૦૨૧માં ૨૦૨૦ના દ્રશ્‍યો જીવંત બન્‍યા છે. દિલ્‍હી-રાજસ્‍થાન-મહારાષ્‍ટ્ર સહિતના રાજયોમાંથી શ્રમિકો ટ્રેન- બસ-ટ્રક જે હાથ લાગ્‍યું તે વાહન થકી પોતાના વતન જઇ રહયા છે.

દેશના પાટનગર દિલ્‍હીમાં ૧ સપ્‍તાહનું લોકડાઉન જાહેર થયું છે. સરકારના એલાન બાદ તરત જ બસ સ્‍ટેશન અને રેલ્‍વેસ્‍ટેશન ભીડ એકઠી થઇ ગઇ હતી. બપોરથી લઇને આજે સવાર સુધી મોટી સંખ્‍યામાં શ્રમિકો ઘરે જવા ઉતાવળા બન્‍યા હતા.

શ્રમિકોની એક જ ફરિયાદ છે કે ઘણી મુશ્‍કેલીથી કામ શરૂ થયુ હતું પણ ફરી લોકડાઉન લાગ્‍યું છે, એવામાં ગત વખતની જેમ તે લંબાવાય તો, તેથી સમયસર ઘરે જવું ઠીક રહેશે.

રાજસ્‍થાન સરકારે ૧૫ દિવસનું મીની લોકડાઉન જાહેર કર્યુ છે તો ત્‍યાંથી પણ શ્રમિકો મોટી સંખ્‍યામાં યુપી-બિહાર જવા લાગ્‍યા છે.

મહારાષ્‍ટ્રમાં કોરોનાનો પ્રકોપ જારી છે અને શ્રમિકોનું પલાયન પણ થઇ રહયુ છે, મુંબઇ-નાસિક-પૂણે-ઠાણેથી ટ્રેનો-બસોમાં શ્રમિકોની વતન વાપસી થઇ રહી છે, ત્‍યાં ૧૫ દિવસનું લોકડાઉન છે.

૨૦૨૦માં માર્ચમાં પ્રથમ લોકડાઉન લાગ્‍ફું ત્‍યારે આવો જ માહોલ હતો. લાખોની સંખ્‍યામાં શ્રમિકો નીકળી પડયા હતા. બસો-ટ્રેનો ફુલ થવાથી આ વખતે પણ શ્રમિકો પગપાળા નીકળી પડયા છે, બસોમાં લોકો લટકીને કે બસ ઉપર બેસીને વતન ભણી જઇ રહયા છે. જે રીતે ઠેરઠેર ભીડ જોવા મળી રહી છે તેનાથી કોરોનાની ગાઇડલાઇન્‍સના છોતરા નીકળી રહયા છે.

ઉત્તરપ્રદેશ અને બિહાર તરફ શ્રમિકોનાો પ્રવાહ જઇ રહયો છે.

પ્રાઇવેટ બસોમાં પણ શ્રમિકો જઇ રહયા છે. બસ સંચાલકોએ અનેક ગણા ભાડા વધારી દીધા છે.

મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજધાનીમાં છ દિવસના લોકડાઉનની જાહેરાત કરતા માઈગ્રન્‍ટ વર્કરોને દિલ્‍હી છોડીને ન જવાની અપીલ કરી હતી. પરંતુ તેમ છતાં અહીંના આનંદ વિહાર આઈએસબીટી પર હજારો લોકો પોતાના વતન જવા માટે બસ પકડવા ઉમટી પડ્‍યા હતા. પોલીસ અધિકારીઓ મુજબ, આનંદ વિહાર પર આઈએસબીટી અને રેલવે સ્‍ટેશન પર ૫૦ હજારથી વધુ લોકો પહોંચી ગયા અને આ સંખ્‍યા વધતી જઈ રહી છે.

આ પહેલા કેજરીવાલે લોકડાઉનની જાહેરાત કરતા રાજધાનીમાં રહેતા બહારના મજૂરોને અપીલ કરી હતી કે આ લોકડાઉન નાનું જ રહેવાની આશા છે, એટલે તેઓ દિલ્‍હી છોડીને ન જાય.

દિલ્‍હીમાં ૧૯મીની રાત્રે ૧૦ વાગ્‍યાથી ૨૬મીની સવારે પાંચ વાગ્‍યા સુધી લોકડાઉન લગાવી દેવાયું છે.

એક સીનિયર અધિકારીએ કહ્યું કે, લોકડાઉનની અચાનક જાહેરાતથી હજારોની સંખ્‍યામાં લોકો આનંદ વિહાર આઈએસબીટી પહોંચવા લાગ્‍યા. વિસ્‍તારમાં તૈનાત પોલીસકર્મીઓ પણ લોકોને સમજાવવાનો અને પાછા મોકલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, મજૂરોને આશંકા છે કે દિલ્‍હીમાં રોજ કોરોના વાયરસનું સંક્રમણ વધતું જઈ રહ્યું છે અને એવામાં લોકડાઉન વધારવામાં આવી શકે છે.

દિલશાદ ગાર્ડનના એક કપડાના કારખાનામાં કામ કરતા અને ઉત્તર પ્રદેશના બરેલીના રહેવાસી મુકેશ પ્રતાપે કહ્યું કે, તે પોતાના ઘરે જવા ઈચ્‍છે છે કેમકે લોકડાઉન વધવાની પૂરી શક્‍યતા છે.

ગત વર્ષે પણ દેશમાં લોકડાઉનની જાહેરાત બાદ દિલ્‍હીમાં કામ કરતા બિહાર, ઉત્તર પ્રદેશ અને અન્‍ય રાજયોના પ્રવાસીઓ બસો, અન્‍ય વાહનો અને ત્‍યાં સુધી કે પગપાળા પોતાના દ્યરો તરફ જોતા જોવા મળ્‍યા હતા.

(10:58 am IST)