Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૧૮ કેસ નોંધાયા

દેશમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર ઊછાળો : ૪ દર્દીઓના મોત, દેશમાં સક્રિય કેસોની સંખ્યા ૬,૩૫૦, કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ સક્રિય કેસ

નવી દિલ્હી, તા.૨૦  : કોરોનાના કેસોમાં ફરી એકવાર ઊછાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોનાના ૯૧૮ નવા કેસ નોંધાયા છે, જ્યારે ચાર દર્દીઓના મોત થયા છે. હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને ૬,૩૫૦ થઈ ગઈ છે. દર્દીઓની વધતી સંખ્યાને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે.

આ પહેલાના રવિવારે પણ દેશભરમાં ૧,૦૭૦ નવા કોરોના કેસો સામે આવ્યા હતા. ચાર મહિનામાં કોરોના કેસોમાં જોવા મળેલો આ આંકડો સૌથી વધુ હતો. કોરોનાના કેસોમાં છેલ્લી વખત હજાર કેસોથી વધારે ૬ નવેમ્બર ૨૦૨૨ના રોજ જોવા મળ્યા હતા.

કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ સક્રિય કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારે તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકની સાથે આ ત્રણ રાજ્યોને ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને વેક્સિનેસનની પાંચ ગણી વ્યૂહરચનાનું પાલન કરવાની સલાહ આપી છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ રોગને લઈને સુધારેલી માર્ગદર્શિકા રજૂ કરી છે. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, ટેસ્ટ દરમિયાન જ્યાં સુધી કોરોના સંક્રમણની હાજરીની પુષ્ટિ ન કરે ત્યાં સુધી એન્ટિબાયોટિકનો ઉપયોગ ન કરવો જોઈએ.

(8:14 pm IST)