Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ઘર સે નિકલો કરો મતદાન, નિશાન હૈ ઉંગલી પે ઇસકી પહેચાન...

કાલે ૬ મહાનગરોમાં લોકશાહીના દ્વારે ઝળહળશે મતોની જ્યોત

રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરા, સુરત કોર્પોરેશનની ૫૭૫ બેઠકો માટે મતદાન : ૧૧૧૨૧ મતદાન મથકો : સવા કરોડ જેટલા મતદારો : ૧.૨૫ કરોડ જેટલા મતદારો : આજે રાજકીય કતલની રાત : મંગળવારે પરિણામ

રાજકોટ તા. ૨૦ : રાજ્યમાં રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત, વડોદરા અને અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આવતીકાલે રવિવારે સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થનાર છે. ૧.૨૫ કરોડ જેટલા મતદારો અને ૧૧૧૨૧ જેટલા મતદાન મથકો છે. કાલે લોકશાહીના મંદિરમાં મતોની જ્યોત ઝળહળશે. રાજ્ય ચૂંટણી પંચે તા. ૨૩મીએ સવારથી મત ગણતરી કરવાનું જાહેર કર્યું છે. બીજા તબક્કે તા. ૨૮મીએ નગરપાલિકાઓ અને તાલુકા - જિલ્લા પંચાયતોનું મતદાન થનાર છે. ૬ મહાનગરોમાં આજે રાજકીય કતલની રાત છે.

ગુજરાતમાં રાજકોટ સહિત ૬ મહાનગરોમાં ડિસેમ્બરમાં ચૂંટાયેલી પાંખની મુદ્દત પુરી થઇ ત્યારે ચૂંટણી થવા પાત્ર હતી. કોરોનાના કારણે ચૂંટણી પાછી ઠેલાયેલ. જેનું આવતીકાલે મતદાન થનાર છે. હાલ તમામ ૬ મહાનગરોમાં ભાજપનું શાસન છે. આવતા દિવસોમાં પુનરાવર્તન જોઇએ કે પરિવર્તન ? તે આવતીકાલે મતદારોએ નિર્ણય કરવાનો છે.

૬ મહાનગરોની ૫૭૬ બેઠકો પૈકી ૫૭૫ બેઠકો પર કાલે મતદાન છે. અમદાવાદની ૧ બેઠક અગાઉ ભાજપને બિનહરીફ મળી છે. રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત બસપા, એન.સી.પી., અપક્ષો અને અન્ય પક્ષો મળીને કુલ ૨૨૮૫ ઉમેદવારો મેદાને છે. ૪૬૭ મતદાન મથકો અતિસંવેદનશીલ હોવાથી ત્યાં વિશેષ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. કોરોનાની પરિસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રથમ વખત યોજાઇ રહી હોવાથી તેની ગાઇડ લાઇન અમલમાં છે. ૬ મ્યુ. કોર્પોરેશન ઉપરાંત જૂનાગઢ કોર્પોરેશનની બે બેઠકો માટે પેટાચૂંટણી છે.

ભાજપે ચૂંટણી જીતવા પ્રચારમાં વિકાસના મુદ્દાને જ સર્વોપરી ગણ્યો છે. સંગઠન દ્વારા પેઇજ સમિતિની યોજનાનો વ્યાપક રીતે પ્રથમ વખત અમલ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષોએ સ્થાનિક મુદ્દાઓ ઉપરાંત મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર, પોલીસ દ્વારા વસુલાતા દંડ, ઇ-મેમા, પેટ્રોલ - ડીઝલના ભાવ વગેરે મુદ્દા ગજાવ્યા છે. પક્ષો અને ઉમેદવારોએ સોશ્યલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેકટ્રોનિક મીડિયા, સભા, સંમેલન, રેલી, જનસંપર્ક વગેરે દ્વારા પ્રચાર કર્યો છે. આવતીકાલે તમામ ઉમેદવારોનું ભાવિ મત મશીનમાં કેદ થશે.

અમદાવાદમાં એસઆરપીની ૩૦ કંપનીઓ ઉતારાઇ ૧૫૦૦ અધિકારીઓ મુકાયા

અમદાવાદમાં એસઆરપીની ૩૦ કંપનીઓ ગોઠવાઇ છે, આ ઉપરાંત ૧૫૦૦થી વધુ અધિકારીઓ - ૨૧૦૦ કોન્સ્ટેબલ ગોઠવાયા છે. આ ઉપરાંત ૧૫ હજાર હોમગાર્ડઝ, લોકરક્ષક કબ્જા જવાનોને પણ ડયુટી સોંપાઇ છે.

(11:07 am IST)