Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

૩૬૯૫ કરોડનું કાંડ : રોટોમેક વિરૂદ્ધ ઇડીએ કેસ દાખલ કર્યો

પીએનબી બાદ બીજુ મોટુ બેંકિંગ કૌભાંડ સપાટીએઃ સીબીઆઈ બાદ ઇડીએ પણ સકંજો જમાવ્યો : કાનપુરમાં રોટોમેકના માલિક કોઠારીના આવાસ પર દરોડા પડાયા

નવીદિલ્હી, તા.૧૯: રોટોમેક પેન કંપનીના માલિક વિક્રમ કોઠારીની સામે લોન ફ્રોડના મામલામાં સીબીઆઈ બાદ હવે ઇડીએ પણ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. હજુ સુધી કહેવામાં આવી રહ્યું હતું કે, આ કૌભાંડ ૮૦૦ કરોડ રૂપિયાનું છે પરંતુ કેસ દાખલ કરવામાં આવ્યા બાદ ચોંકાવનારો આંકડો સપાટી ઉપર આવ્યો છે. આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, સરકારી બેંકોને આના કારણે ૩૬૯૫ કરોડ રૂપિયાનો ચુનો લાગી ગયો છે. રોટોમેકની સામે સીબીઆઈ બાદ ઇડીએ પણ હવે ૩૬૯૫ કરોડના મામલામાં તપાસ હાથ ધરી છે. સીબીઆઈના કહેવા મુજબ રોટોમેકના માલિકે ૭ બેંકો પાસેથી ૨૯૧૯ કરોડ રૂપિયાની ગેરકાયદે રોકડ લીધી હતી. હવે તેમને વ્યાજ સાથે ૩૬૯૫ કરોડ રૂપિયા બેંકોને ચુકવવાના બાકી છે. રવિવારે મોડી રાત્રે કેસ દાખલ કરવામાં આવ્યા બાદ સીબીઆઈની ટીમે કાનપુરમાં કોઠારીના અનેક સ્થળો ઉપર વ્યાપક દરોડા પાડ્યા છે. કોઠારી, તેમના પુત્રો અને પત્નિની પણ પુછપરછ કરવામાં આવી છે. સીબીઆઈના પ્રવક્તા અભિષેક દયાળે કહ્યું છે કે, આ કેસમાં હજુ સુધી કોઇની ધરપકડ કરાઈ નથી. સીબીઆઈ મામલાની તપાસમાં લાગેલી છે. સીબીઆઇ દ્વારા એફઆઈઆરને નિહાળ્યા બાદ ઇડીએ પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કરી દીધો છે. ઇડીના અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, તમામ મામલાઓમાં તપાસ ચાલી રહી છે. બેંક છેતરપિંડીથી હાસલ કરવામાં આવેલી રકમ લોન્ડરિંગ કરવામાં આવી છે કે કેમ તેને લઇને પણ તપાસ ચાલી રહી છે. જો આરોપીએ આ ફંડનો ઉપયોગ ગેરકાયદે સંપત્તિ અથવા તો બ્લેકમની માટે કર્યો છે તો કાર્યવાહી કરવામાં આવશે. જે સાત બેંકો સાથે રોટોમેકે છેતરપિંડી કરી છે તેમાં બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઓવર્સીસ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, અલ્હાબાદ બેંક અને ઓરિયેન્ટલ બેંકનો સમાવેશ થાય છે. અબજોપતિ જ્વેલર નિરવ મોદી અને મેહુલ ચોક્સી દ્વારા પંજાબ નેશનલ બેંકમાં ૧૧૩૦૦ કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ આ બીજુ બેંકિંગ કૌભાંડ સપાટી ઉપર આવ્યું છે.

(8:44 pm IST)