Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

લોકસભાની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા

યોગીની સીટ પરથી ઉપેન્દ્ર શુક્લા મેદાનમાં: ફુલપુરમાંથી કૌશલેન્દ્રસિંહને મેદાનમાં ઉતારવાનો નિર્ણય

નવીદિલ્હી, તા.૧૯: ઉત્તર પ્રદેશ અને બિહારમાં આગામી લોકસભા પેટાચૂંટણી માટે ભાજપે ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પાર્ટીએ ઉત્તરપ્રદેશન ગોરખપુર લોકસભા સીટ પરથી ઉપેન્દ્ર શુક્લાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે જ્યારે ફુલપુરમાંથી કૌશલેન્દ્રસિંહ પટેલને ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે. બિહારના અરરિયા લોકસભા સીટ પરથી પ્રદિપસિંહને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ત્રણ લોકસભા સીટ પર ૧૧મી માર્ચના દિવસે પેટાચૂંટણી યોજાનાર છે. મતગણતરી ૧૪મી માર્ચના દિવસે થશે.

ગોરખપુર લોકસભાની સીટ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાજીનામાના કારણે ખાલી થઇ હતી જ્યારે ફુલપુરમાંથી સાંસદ કેશવ પ્રસાદ મોર્યને રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવવાના કારણે આ સીટ છોડવી પડી હતી. આરજેડીના મોહમ્મદ તસલીમુદ્દીનના અવસાનના કારણે અરરિયા સીટ ખાલી થઇ હતી. અહીંથી જેડીયુ છોડીને આરજેડીમાં સામેલ થયેલા તસલીમુદ્દીનના પુત્ર સરફરાઝ આલમ ચૂંટણી મેદાનમાં છે. ભાજપની સાથે બિહારના ભગુવો વિધાનસભા સીટ પર ઉમેદવારના નામની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. પાર્ટીએ અહીંથી રિંકી પાંડેને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. લોકસભા પેટા ચૂંટણીને લઇને પોતાના ત્રણ ઉમેદવારના નામ જાહેર કર્યા બાદ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ભાજપે સૌથી પહેલા પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ૧૧મી માર્ચના દિવસે યોજાનારી ત્રણ લોકસભા સીટો પર ભાજપે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ ચૂંટણીને લઇને પણ ભાજપે ઉદાસીનતા નહીં રાખવાની તૈયારી કરી છે. આક્રમક પ્રચાર કરવા માટે સ્ટારપ્રચારકોને મેદાનમાં ઉતારવા માટે કમર કસી લેવામાં આવી છે. તીવ્ર સ્પર્ધા ત્રણેય બેઠખ પર થાય તેવી સંભાવના છે.

(8:48 pm IST)