Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમનો હુમલો : સ્થિતી તંગ

ભારતે હુમલો નિષ્ફળ બનાવ્યો , એક ઠાર કરાયોઃ સરહદ ઉપર ખેંચતાણ વચ્ચે પાક. દ્વારા કાયરતાપૂર્વકના હુમલાનો દોર યથાવત જારી : ભારતીય સેના સંપૂર્ણ એલર્ટ

જમ્મુ,તા. ૧૯: સરહદ પર તીવ્ર ખેંચતાણ અને વિસ્ફોટક સ્થિતી વચ્ચે પણ પાકિસ્તાન દ્વારા કાયરતાપૂર્વકના કૃત્ય જારી રાખવામાં આવ્યા છે. તેના તરફથી ઘુસણખોરીના પ્રયાસો થઇ રહ્યા છે. જો કે ભારતીય સેના તેમના તમામ હુમલા અને કૃત્યોનો યોગ્યરીતે જવાબ આપી રહી છે. અંકુશ રેખા નજીક શંકાસ્પદ ગતિવિધી જોવામાં આવી રહી છે. ભારતીય આર્મી પોસ્ટની તરફ ગ્રેનેડ ઝીંકવામાં આવ્યા બાદ ભારતીય સેનાના જવાનો વધારે એલર્ટ થઇ ગયા હતા. ભારતીય સેનાએ તરત જ ગોળીબાર કરીને જવાબ આપ્યો હતો. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર થોડાક સમય સુધી જારી રહ્યો હતો. બર્બરતા માટે ચર્ચામાં રહેનાર પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમે હુમલો કર્યો હતો. જો કે ભારતીય સુર૭ા સંસ્થાઓ અને તૈનાત જવાનોએ હુમલાને નિષ્ફળ કરી દીધો હતો.

 

અંકુશ રેખા નજીક શંકાસ્પદ ત્રાસવાદી ગતિવિધી જોવા મળી રહી છે. સેનાની પોસ્ટથી અંકુશ રેખાની તરફ આશરે ૧૦૦ મીટરના અંતરે આ ગતિવિધી જોવા મળ્યા બાદ જવાનોએ ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ પોસ્ટ તરફ આરપીજી ઝીંકવામાં આવ્યા બાદ તંગદીલી ફેલાઇ ગઇ હતી. ત્યારબાદ બન્ને તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. એમ માનવામા ંઆવે છે કે પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જો કે અલર્ટ રહેવાના કારણે આ હુમલાને નિષ્ફળ કરી શકાયો હતો. પાકિસ્તાની બેટ ટુકડી છુપો હુમલો કરીને ભારતીય જવાનોના મૃતદેહને વિકૃત બનાવી દેવા માટે કુખ્યાત રહી છે. તે ત્રાસવાદીઓની સાથે મળીને ઘુસણખોરીના પ્રયાસોને પ્રોત્સાહન આપે છે. બોર્ડર એક્શન ટીમમાં પાકિસ્તાનના જવાનો ઉપરાંત ત્રાસવાદી પણ સામેલ રહે છે. હુમલામાં માર્યા ગયેલા શખ્સની ઓળખ હજુ સુધી કરવામાં આવી નથી.

(1:12 pm IST)