Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ઉત્તરપ્રદેશ ઇન્વેસ્ટર સમિટમાં ૭૦૦ કરારો થવાની સંભાવના

અન્ય રાજ્યો કરતા વધારે મોટા કદમાં સમિટઃ વડાપ્રધાન મોદી ૨૧-૨૨ ફેબ્રુઆરીના દિવસે યોજાનારા ઇન્વેસ્ટર સમિટનુ ઉદ્ઘાટન કરશે : જોરદાર તૈયારી જારી

લખનૌ,તા. ૧૯: ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં યોજાનાર બે દિવસીય ઇન્વેસ્ટર સમિટને લઇને તમામ તૈયારી યુદ્ધના ધોરણે ચાલી રહી  છે. જો કે હવે તૈયારી પૂર્ણ થવા આવી છે. ઇન્વેસ્ટર સમિટમાં આશરે ૭૦૦ સમજુતી કરવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. ૭૦૦ બિઝનેસ એગ્રીમેન્ટ જુદા જુદા ક્ષેત્રોમાં કરવામાં આવનાર છે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યુ છે કે દેશના અન્ય રાજ્યોમાં યોજાતા સમિટ કરતા આ સમિટનુ કદ ખુબ મોટુ રહેનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૧-૨૨મી ફેબ્રુઆરી દરમિયાન લખનૌમાં યોજાનાર આ સમિટનુ ઉદ્ઘાટન કરનાર છે. શિખર સંમેલનના સમાપન સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ ખાસ રીતે હાજર રહેશે. ઇન્વેસ્ટર સમિટમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, નાણાંપ્રધાન અરૂણ જેટલી, માર્ગ પરિવહન પ્રધાન નિતિન ગડકરી પણ હાજર રહેશે. ઇન્વેસ્ટર સમિટમાં દેશના સૌથી અમીર વ્યક્તિ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને આનંદ મહિન્દ્રા ખાસ રીતે પહોંચશે. સમિટ પહેલા આપેલા ઇન્ટરવ્યુમાં યોગી આદિત્યનાથે કહ્યુ છે કે તેઓ રાજ્યમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહ્યા છે. સાથે સાથે ભ્રષ્ટાચારને નાબુદ કરવાના પ્રયાસ કરી રહ્યા છે.

 

કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને સુધારી દેવા માટે દિન રાત એક કરી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે એક રોકાણકાર માટે આદર્શ માહોલ જરૂરી છે. તે અધિકારીઓના કારણે ભ્રષ્ટાચારનો શિકાર ન બને અને તેની પ્રોપર્ટી સુરક્ષિત રહે તેમ રોકાણકારો ઇચ્છે છે. જેથી તેમની સરકાર આ બન્ને બાબતોને પ્રાથમિકતા આપી રહી છે. તેમણે કહ્યુ હતુ કે સરકારના પ્રયાસોના કારણે ઉત્તરપ્રદેશ હવે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના મામલે સાતમા ક્રમાકે પહોંચી ગયુ  છે. તે પહેલા ૧૭માં સ્થાને હતુ.

 

 

(1:12 pm IST)