Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

નામદાર આગાખાન ભારતની યાત્રાએઃ ઇસ્માઇલી સમાજમાં અનેરો ઉત્સાહ

૧૦ દિવસના રોકાણ દરમિયાન ભરચક કાર્યક્રમો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજયપાલ, તથા મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓ સાથે મુલાકાત

વાપી તા. ૧૯ :.. વિશ્વભરના ઇસ્માઇલી જમાતના સર્વોચ્ચ ધર્મગુરુ, હીઝ હોલીનેશ નામદાર આગાખાન આગામી તા. ર૦ મી ફેબ્રુઆરી ને મંગળવારે ભારત યાત્રાએ આવી રહ્યા છે. જેને પગલે ભારતમાં વસતા સમગ્ર ઇસ્માઇલી જમાતમાં અનેરો ઉત્સાહ છવાયો છે.

 

નામદાર આગાખાનની આ ૧૦ દિવસની ભારત યાત્રા દરમ્યાન જમાતના સભ્યોને દીદાર આપવા ઉપરાંત સરકારી કામો સહિતના ભવ્ય આયોજનો કરાયા છે.

નામદાર આગાખાન આ યાત્રા વેળાએ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજયપાલ તથા મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓ સામે મુલાકાત કરી ચર્ચાઓ કરશે. આ ૧૦ દિવસમાંથી બાપુ ૩ દિવસ ગુજરાતમાં રોકાશે.

નામદાર આગાખાનની આ ભારત યાત્રાના કાર્યક્રમને નજીકથી જોઇએ તા. ર૦ મીના ભારતમાં આગમન, તા. ર૦, ર૧ અને રર દિલ્હીમાં રોકાશે અને અહીં તેઓ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ, તથા ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈકેંયા નાયડુ તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ રાજકીય આગેવાનો તથા ઇસ્માઇલી જમાતના અગ્રણીઓ સાથે મુલાકાત કરશે.

ત્યારબાદ તા. ર૩, ર૪, રપ અને ર૬ એમ ૪ દિવસ તેઓ ગુજરાતમાં પધારશે જેમાં વર્ષો પછી અમદાવાદની જમાતને લાભ મળશે. કહેવાય છે કે ૧૯૯ર પછી અમદાવાદને લાભ મળશે. અહી જીએમડીસી ગ્રાઉન્ડમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે.

નામદાર આગાખાન એમની આ ગુજરાતની મુલાકાત દરમ્યાન રાજયપાલ શ્રી ઓ. પી. કોહલીજી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સહિતના આગેવાનો સાથે મુલાકાત કરશે. ત્યારબાદ નામદાર આગાખાન હૈદ્રાબાદની મુલાકાત લેશે અહી તા. ર૭ અને ર૮ એમ ર દિવસ ભરચક કાર્યક્રમો યોજાશે.

ત્યારબાદ ૧લી માર્ચને ગુરુવારે નામદાર આગાખાનમુંબઇ પધારશે અને અહી કાઉન્સીલ જમાતને દીદાર આપશે અને ત્યારબાદ મુંબઇ થી જ ભારતની વિદાય લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ નામદાર આગાખાન એપ્રિલ ર૦૧પ માં પાંચ દિવસ માટે ભારત આવ્યા હતા ત્યારે ૮ મી એપ્રિલના રોજ  દિલ્હીમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે પદ્મવિભૂષણ એવોર્ડ એનાયત કરાયો હતો. આ અગાઉ સપ્ટેમ્બર ર૦૧૩ માં બાપુ ૧૧ દિવસ ભારતની મુલાકાતે આવ્યા હતાં.

અને હવે ર૦૧૮માં નામદાર આગાખાન ફરી આવી રહ્યાં છે. તેમના આ આગમનને વધાવવા ભારતભરની ઇસ્માઇલી જમાત આતુર બની છે.

 

(11:58 am IST)