Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

બેન્ક જ નહિં ૨૪ કંપનીઓ- ૧૮ ઉદ્યોગપતિઓને બુચ માર્યા છે નિરવ - મેહુલે

નિરવ મોદી અને મેહુલ ચોકસીના કારનામા ધીમે ધીમે સામે આવી રહ્યા છેઃ ફરીયાદોનો ધોધ વરસ્યોઃ છેતરપીંડી કરી અનેકને દેવાળીયા બનાવી દીધાઃ ચોકસીની કંપનીએ અલગ-અલગ કંપનીઓ અને વેપારીઓ પાસેથી ૩ કરોડથી લઈને ૨૦ કરોડ લીધા અને પછી ઘરેણા ન મોકલ્યાઃ આપેલા ચેકો પણ બાઉન્સ થયાઃ કરારો પણ તોડયા

નવી દિલ્હી, તા. ૧૯ :. નિરવ મોદી અને મેહુલ ચોકસીના કારનામા ધીમે ધીમે સામે આવી રહ્યા છે. આ બન્નેએ બેન્કોને નુકશાન પહોંચાડયુ છે એટલુ જ નહીં બે ડઝન જેટલી કંપનીઓ અને અનેક બિઝનેસમેનોને પણ મોટા મોટા બુચ મારી દીધા છે.

આ બધાયે ફરીયાદો પણ કરી છે. અત્યાર સુધીમાં ૨૪ કંપનીઓ અને ૧૮ ઉદ્યોગપતિઓએ આ બન્ને વિરૂદ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. આ કંપનીઓએ વેપારીઓએ ૨૦૧૩થી ૨૦૧૭ વચ્ચે તેની જ્વેલરી બ્રાન્ડની ફ્રેન્ચાઈઝી લીધી હતી. હવે તેઓએ મોદી ચોકસી સામે છેતરપીંડીથી નાણાકીય ફરીયાદ નોંધાવી છે.

આ કંપનીઓ અને વેપારીઓએ ચોકસીની ગીતાંજલી જ્વેલરી ગીલીની ફ્રેન્ચાઈઝી શો રૂમ દિલ્હી, આગ્રા, મેરઠ, બેંગ્લોર, મૈસુુર, ગુજરાત, રાજસ્થાનના અનેક શહેરોમાં ખુલ્યા હતા. હવે આ બન્ને સામે ગુન્હાહીત છેતરપીંડી અને કરારભંગના કેસ નોંધાયા છે. મળતા અહેવાલ મુજબ ચોકસીની કંપનીએ અલગ અલગ કંપનીઓ અને વેપારીઓ પાસેથી ૩ કરોડથી લઈને ૨૦ કરોડ રૂપિયા લીધા હતા પરંતુ તેમના હીરા અને બીજા ઘરેણા આપ્યા ન હતા.

ચોકસીની કંપની અને આ ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે ૩ વર્ષનો કોન્ટ્રાકટ થયો હતો. જે હેઠળ ફ્રેન્ચાઈઝીને જ્વેલરી શોરૂમના ભાડા ઉપરાંત દર વર્ષે સીકયુરીટી ડીપોઝીટ પર ૧૨ ટકા ફીકસ મીનીમમ ગેરેંટી કમીશન આપવાનુ હતું. અનેક ફ્રેન્ચાઈઝીઓએ કહ્યુ છે કે, ચોકસીએ સ્ટોક ખાલી થવા પર અમને ફરીથી ન આપ્યો, ઘરેણા ન મોકલ્યા, મોકલ્યા તો માર્કેટ રેટથી ઓછા ભાવે મોકલ્યા કે પછી શો રૂમનુ ભાડુ ન આપ્યું.

એક એફઆરઆઈમાં લખાયુ છે કે, કંપની તરફથી સાવ ઓછા ભાવે ઘરેણા મોકલાયા. ફ્રેન્ચાઈઝીમાં આ ઘરેલાની કિંમત માર્કેટ રેટથી ઓછામાં ૩ થી ૪ ગણી વધારે હતી. આ મામલામાં કર્ણાટકમાં ૨૦૧૫માં ૩ એફઆરઆઈ નોંધાઈ હતી. એક ફ્રેન્ચાઈઝી મૈસુરના અમિતકુમારના નામે હતી. તેમને ગીતાંજલી જ્વેલર તરફથી આપવામાં આવેલ ૧.૭ કરોડનો ચેક બાઉન્સ થયો હતો. બીજી ફરીયાદ હરીપ્રસાદે કરી હતી. જેમને ગિતાંજલી માટે ૫ કરોડનુ ભાડુ નથી મળ્યું. (૨-૫)

 

(10:54 am IST)