Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

બેન્ક કૌભાંડઃ સીબીઆઈએ ૧૧ લોકોની કરી પૂછપરછઃ ઈડીએ ૧૫ શહેરોમાં ૪૫ જગ્યાઓએ દરોડા પાડયા

કૌભાંડના કેન્દ્રમાં રહેલી પંજાબ નેશનલ બેન્કની શાખાનો કબ્જો સંભાળતુ સીબીઆઈ

નવી દિલ્હી, તા. ૧૯ :. પંજાબ નેશનલ બેન્કમાં થયેલા મહાકૌભાંડના પગલે સીબીઆઈએ અત્યાર સુધીમાં ૧૧ લોકોની પૂછપરછ કરી છે અને ઈડીએ ૧૫ શહેરોમાં ૪૫ જગ્યાએ દરોડા પાડયા છે. સીબીઆઈએ પંજાબ નેશનલ બેન્કની બ્રાન્ડી રોડ શાખાના આખા સંકુલને પોતાના નિયંત્રણ હેઠળ લઈ લીધુ છે અને તલાશી અભિયાન શરૂ કર્યુ છે. બેન્કની આ શાખા અબજોપતિ નિરવ મોદી અને મેહુલ ચોકસીની સાંઠગાંઠના કેન્દ્રમા રહી છે. આ તલાશી અભિયાન રાતભર ચાલુ રહ્યુ હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈ બેન્કના મહાપ્રબંધક સ્તરના અધિકારીઓ સહિત વધુ પાંચ અધિકારીઓની પૂછપરછ કરી છે. કુલ ૧૧ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. જેમની ધરપકડ થઈ છે તેઓની પણ પૂછપરછ ચાલુ છે.

દરમિયાન ઈડીએ ગઈકાલે દેશના ૧૫ શહેરોની ૪૫ જેટલી જગ્યાઓ ઉપર દરોડા પાડયા છે. જેમાં બેંગ્લોરમાં ૧૦, દિલ્હીમાં ૭, કલકત્તા અને મુંબઈમાં પાંચ - પાંચ જગ્યાઓ, ચંદીગઢ અને હૈદરાબાદ જગ્યાઓમાં ઉપર ચાર - ચાર જગ્યાઓએ, અમદાવાદમાં બે અને ચેન્નાઈ તથા ગૌવાહાડીમાં એક - એક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. ઈડીના એક અધિકારીએ કહ્યુ છે કે, ગોવા, જયપુર, શ્રીનગર અને જલંધરમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.

અગાઉ ૧૧૪૦૦ કરોડ રૂપિયાની છેતરપીંડીના મામલામાં દેશભરમાં ઠેકઠેકાણે દરોડા પાડી ૫૬૭૪ કરોડ રૂપિયાના હીરા-સોના તથા ઝવેરાત જપ્ત કરવામાં આવ્યા હતા.

હીરાના વેપારી નિરવ મોદી અને મુંબઈ સ્થિત તેમની કંપની ડાયમન્ડ આર યુએસ, સોલાર એકસપોર્ટ અને સ્ટેલર ડાયમન્ડ ખાતે પણ દરોડા પાડયા હતા. મોદી સામે ૬૪૯૮ કરોડ રૂપિયાની છેતરપીંડીનો આરોપ મુકવામાં આવ્યો છે.(૨-૧)

(10:51 am IST)