Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

બેંકોની 'બિમારી' પર 2Gથી પણ વધુ રકમ ફુંકી સરકારે

૧૧ વર્ષમાં બેંકોને કરી છે રૂ. ૨.૬૦ લાખ કરોડની મદદઃ બેંકો બેડ લોન અને ફ્રોડથી ખદબદે લેઃ અચ્છે દિનના દિવસો ઢુંકડા દેખાતા નથી

નવી દિલ્હી તા. ૧૯ : દર બજેટ સમયે દેશના નાણાંપ્રધાન સામે બે જ ચેલેન્જ હોય છે. એક ખર્ચની જરુરિયાતના પૂર્ણ કરવી જેથી સામાજીક ક્ષેત્રમાં વિકાસ સાધી શકાય અને બીજી સરકારી તીજોરીના નુકસાનને ઓછું કરવું કેમ કે દેશમાં આજે પણ ટેકસ કલેકશન હોવું જોઈએ તેના કરતા ખૂબ ઓછું થાય છે.

જયારે તાજેતરમાં હવે નાણાં મંત્રાલય સામે એક નવી ચેલેન્જ આવી છે, તે છે પબ્લિક સેકટર બેંકોને સંભાળવાની. કોર્પોરેટ ફ્રોડ અને બેડ લોનના સતત ભરાવાથી બેંકોમાં NPA બેકાબૂ બની ગયો છે અને તેને કાબુમાં કરવા માટે સરકાર પોતાનું ભંડોળ વર્ષોથી બેંકમાં ઠાલવતી આવી છે. જે એક પ્રકારને બેંકોનું બેબી સીટિંગ છે.

પાછલા ૧૧ વર્ષોમાં દેશના ત્રણ નાણાં પ્રધાન પ્રણવ મુખર્જી, પી. ચિદમ્બરમ અને અરુણ જેટલી પબ્લિક સેકટર બેંકોને તેમના કરજમાંથી મુકિત મળે માટે અત્યાર સુધીમાં કુલ ૨.૬ લાખ કરોડ રૂપિયાનું ફંડ આપી ચૂકયા છે. આ આંકડો દેશના સૌથી મોટા કૌભાંડ ૨જી  સ્પેકટ્રમમાં દેશને થયેલા નુકસાન કરતા પણ કયાંય વધારે છે. જયારે આ વખતના બજેટમાં ગ્રામીણ વિકાસ માટે ફાળવવામાં આવેલ કૂલ ફંડના બેગણી થાય છે.

બેંકોના રીકેપિટલાઇઝેશનમાં ચાલુ નાણાંકીય વર્ષ અને આગામી નાણાંકીય વર્ષ માટે કુલ ૧.૪૫ લાખ કરોડ ફાળવાયા છે. આ ઉપરાંત સરકારે ૨૦૧૦-૧૧થી ૨૦૧૬-૧૭ સુધીમાં બેંકોને ૧.૧૫ લાખ કરોડ રુપિયા આપ્યા છે. SBI સહિતની પબ્લિક સેકટર બેંકો પાછલા બે વર્ષથી NPAના કારણે નુકસાનમાં ચાલી રહી છે.

આ નાણાંકીય વર્ષમાં પણ બેંકોના અચ્છે દિન આવે તેવા કોઈ અણસાર જ નથી. દેશની સૌથી મોટી બેંક SBIએ પાછલા ૧૮ વર્ષોમાં પહેલીવાર ત્રીમાસિક નુકસાન વેઠ્યું છે. તો બીજી મોટી બેંક બેંક ઓફ બરોડાની પણ હાલત તેટલી જ ખરાબ છે. રેટિંગ એજન્સી કેરના અહેવાલ પ્રમાણે 'NPAની વાત કરીએ તો લાગતું જ નથી કે પબ્લિક સેકટર બેંકનાો આ ખરાબ સમય જલ્દીથી પૂર્ણ થશે.'

(9:49 am IST)