Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ફ્રીઝ થઇ ગયા PNBના ખાતા? ૩૦૦૦થી વધારે નહીં ઉપાડી શકાય?

૧૦ કરોડ લોકોના અકાઉન્ટ

નવી દિલ્હી તા. ૧૯ : પંજાબ નેશનલ બેન્કના લગભગ ૧૧,૫૦૦ કરોડના કૌભાંડની દેશભરમાં ચર્ચા ચાલી રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પીએનબીના બધા જ બેન્ક અકાઉન્ટ્સને સીઝ કરી દીધા છે.

મેસેજ અનુસાર, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આગામી આદેશ સુધી પંજાબ નેશનલ બેન્કના બધા જ ખાતા ફ્રીઝ કરી દીધા છે. પીએનબીના ખાતાધારકો ૩૦૦૦થી વધારે પૈસા નહીં ઉપાડી શકે. આ સાથે પીએનબીના ચેક ન સ્વીકારવાની પણ અપીલ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર આ પ્રકારના મેસેજ વાયરલ થવાને કારણે લોકો ઘણાં પરેશાન છે. કારણકે લોકોમાં લગભગ ૧૦ કરોડ લોકોના અકાઉન્ટ છે. આ પ્રકારના મેસેજથી પરેશાન થઈને ખાતાધારકો મેસેજની પૃષ્ટિની પણ માંગ કરી રહ્યા છે.

હકીકત એ છે કે પંજાબ નેશનલ બેન્ક પર આ પ્રકારની કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. બેન્કના ગ્રાહક સેવા અધિકારી સ્વતંત્ર વીર સિંહે જણાવ્યું કે, પંજાબ નેશનલ બેન્કના ખાતાધારકો માટે પૈસા ઉપાડવાના નિયમમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો. ખાતાધારકો કોઈ પણ ડર અને શંકા વિના પોતાના અકાઉન્ટ્સમાંથી પહેલાની જેમ પૈસાની લેવડ-દેવડ કરી શકે છે.(૨૧.૪)

 

(9:45 am IST)