Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

આત્મનિર્ભર ભારતનો સીધો સંબંધ લોકોના વિશ્વાસ સાથે છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન આવાસ યોજના હેઠળ છ લાખ લાભાર્થીને આર્થિક સહાય : પહેલાં ગરીબને વિશ્વાસ નહોતો કે સરકાર ઘર બનાવવામાં મદદ કરી શકે છે વર્ષ ૨૦૨૨ સુધીમાં દરેક ગરીબને ઘર આપવાની કેન્દ્ર સરકારની યોજના

નવી દિલ્હી, તા. ૨૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના ઉત્તર પ્રદેશને એક મોટી ભેટ આપી. વડાપ્રધાન આવાસ યોજના-ગ્રામીણ હેઠળ આજે લગભગ ૬ લાખ લાભાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી ૨૦૨૨ સુધી દરેક ગરીબને ઘર આપવાની યોજના ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત આ મદદ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક મદદ જાહેર કર્યા બાદ સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે, કેટલાક દિવસ પહેલા જ દેશે કોરોના વેક્સિનેશન અભિયાન ચલાવ્યું છે, હવે વધુ એક સારું કામ થઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે, સરકારનું લક્ષ્ય છે કે ગરીબોને ઘર આપવામાં આવે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં પ્રકાશ પર્વના અવસર પર ગુરૂ ગોવિંદ સિંહને નમન કર્યા અને કહ્યું કે, દેશ તેમના બતાવેલા રસ્તા પર આગળ વધી રહ્યો છે. આવાસ યોજના અંતર્ગત દેશના ગામડાઓની તસવીર બદલાઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, ૬ લાખ લાભાર્થીઓના બેંક ખાતામાં ૨૭૦૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુંકે, આત્મનિર્ભર ભારતનો સીધો સંબંધ નાગરિકોના આત્મવિશ્વાસ સાથે છે. ઘર એવી વ્યવસ્થા છે જે લોકોના આત્મવિશ્વાસને વધારે છે. પહેલા જે સરકારો હતી એ સમયની સ્થિતિને દરેક જણ જાણે છે.

પીએમ મોદીએ કહ્યું કે, પહેલા ગરીબને વિશ્વાસ નહોતો કે સરકાર ઘર બનાવવામાં મદદ કરી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે, અમે અમારી યોજનામાં કોઈ પણ ભાઈ-ભત્રીજાવાદ નથી ચલાવ્યો, ના કોઈ વોટબેંકને ઉપર રાખી, જે પણ ગરીબ છે તેને અધિકાર આપવામાં આવ્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, યોજના અંતર્ગત સૌથી વધારે આવાસ મહિલાઓના નામ પર જ આપવામાં આવી રહ્યા છે, દરેક વ્યક્તિના ખાતામાં પૈસા આપવામાં આવી રહ્યા છે. પીએમ મોદી તરફથી અપીલ કરવામાં આવી કે, ગ્રામીણ લોકોએ પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજનાનો લાભ લેવો જોઇએ અને પોતાના ઘરની મેપિંગ કરાવવી જોઇએ.

પીએમ મોદીએ ગત સરકારો પર કટાક્ષ કર્યો અને કહ્યું કે, ખોટી નીતિઓના કારણે લોકોને આનું નુકસાન થતુ હતુ. પીએમ મોદીએ કહ્યું કે, આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર તમામને ઘર મળ્યા, આ લક્ષ્ય દેશે રાખ્યું હતુ. અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારોમાં જ ૨ કરોડ ઘર બની ચુક્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દોઢ કરોડથી વધારે ઘર બન્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, ૨૦૧૬માં અમે જ્યારે આ યોજના લૉન્ચ કરી હતી, ત્યારે યૂપીમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી. પહેલાની સરકારને અનેકવાર ચિઠ્ઠી લખવામાં આવી હતી, પરંતુ તેમણે કોઈ પણ પ્રકારનું કામ ના કર્યું. હવે જ્યારે યોગી સરકાર આવી છે તો આ યોજનાએ ગતિ પકડી છે.

(7:44 pm IST)