Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

૩૦ જાન્યુઆરીએ દેશમાં બે મિનિટનું મૌન પાળવું પડશે

શહીદ દિવસ સંદર્ભે કેન્દ્ર સરકારનો આદેશ : ૧૧ વાગ્યે ૨ મિનિટનું મૌન રખાશે, દેશભરમાં ૨ મિનિટ માટે કોઈ જાતનું કામકાજ અથવા આવનજાવન નહીં થાય

નવી દિલ્હી, તા. ૨૦ : કેન્દ્રની મોદી સરકારે ૩૦ જાન્યુઆરીએ મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસને ધ્યાનમાં રાખીને એક નવો આદેશ જારી કર્યો છે. આદેશ પ્રમાણે આ દિવસને દર વખતની જેમ શહિદ દિવસ તરીકે મનાવવામાં આવશે. તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ જારી કર્યો છે. આ દિવસે દેશ આખો ૨ મીનીટ માટે થંભી જશે. કેન્દ્ર સરકારના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, દેશની આઝાદી માટે બલિદાન આપનારાઓની યાદમાં બે મિનિટનું મૌન રાખવામાં આવશે. સાથે જ આ દરમિયાન કામકાજ અને આવનજાવન ઉપર પર રોક લગાવવામાં આવશે.

શહિદ દિવસ માટે જે આદેશ ગૃહમંત્રાલય તરફથી જારી કરવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે, ૩૦ જાન્યુઆરીને દર વર્ષે ૧૧ વાગ્યે ૨ મિનિટનું મૌન રાખવામાં આવશે. આ સાથે સમગ્ર દેશમાં ૨ મિનિટ માટે કોઈ જાતનું કામકાજ અથવા આવનજાવન નહીં થાય. જે જગ્યાએ સાયરનની વ્યવસ્થા છે ત્યાં મૌનની યાદ અપાવવા માટે સાયરન વગાડવામાં આવશે. ક્યાંક ક્યાંક આર્મી ગનથી ફાયર પણ કરવામાં આવશે. આ એલર્ટ ૧૦.૫૯ મિનિટ પર કરવામાં આવશે. ત્યાર બાદ ૨ મિનિટ માટે બધાને મૌન પાળવામાં આવશે.

ગૃહ મંત્રાલયના આદેશ મુજબ આ અમલ ફરજિયાત રહેશે. જે જગ્યાઓ પર સિગ્નલ નથી ત્યાં સુવિધા મુજબ કોઈ પણ રીતે સંદેશ પહોંચાડવામાં આવશે. પહેલા મૌન દરમિયાન કોઈ પણ ઓફિસમાં કામકાજ ચાલુ રહેતું હતું. પરંતુ આ વખતે તેને કડકાઈપૂર્વક લાગુ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

૩૦ જાન્યુઆરી ૧૯૪૮માં મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દિવસે સાંજે જ્યારે તે સંધ્યાકાળની પ્રાથર્નામાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે નાથુરામ ગોડસે દ્વારા તેમના પર ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી હતી.

(7:41 pm IST)