Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

હાલમાં ભારતમાં સિગ્નલ નં.૧ એપ્લીકેશનનો દબદબો

સિગ્નલના ચેરમેન બ્રાયન એકટન કહે છે : બીજા મેસેજીંગ એપ્લીકેશનની તુલનાએ પ્રાઇવેસીએ જ અમારી સૌથી મોટી ખુબી, તમારો ડેટા તમારી પાસે જ રહેશે, તમારા મેસેજ કે ફોટા કોઇ જોઇ શકશે નહિ

નવી દિલ્હીઃ  સિગ્નલ ફાઉન્ડેશનના એકિઝકયુટીવ ચેરમેન બ્રાયન એકટનનું માનવું છે કે યુઝર્સને ડેટા પ્રાઇવસીનું સવિશેષ મહત્વ હોય છે અને તેથી વધુને વધુ વોટ્સએપથી સિગ્નલ તરફ સ્વીચ્ડ ઓન કરી રહ્યાં છે.   સિગ્નલ ફાઉન્ડેશનના એકિઝકયુટીવ ચેરમેન બ્રાયન એકટને જણાવ્યું છે કે જે રીતે ભારતીયો વોટ્સએપ છોડી રહ્યાં છે તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે તેમના માટે પ્રાઇવસી અતિ મહત્વપૂર્ણ છે.

તેમણે આ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સિગ્નલનું ફોકસ એ ફીચર્સને ઉપલબ્ધ કરાવવામાં રહેશે કે જેની જરુર યુઝર્સને છે. વોટ્સએપ કે અન્ય કોઇ પ્લેટફોર્મ જેવા ફીચર્સ પર અમે વધુ ધ્યાન આપીશું નહીં.

જયારે તેમને પૂછ્યું કે છેલ્લા એકાદ અઠવાડિયામાં સિગ્નલનો દબદબો જોવા મળ્યો છે ત્યારે તમે તે અંગેના કેટલાક આંકડા આપી શકશો ? તેના જવાબમાં બ્રાયન એકટને જણાવ્યું કે સિગ્નલ એપને ભારતમાં ખૂણે ખૂણેથી સારો પ્રતિસાદ મળ્યો છે. ૭૦ દેશોમાં આઇઓએસ એપ સ્ટોર ચાર્ટ પર અથવા એપ્લિકેશન ટોપ પર છે. ૫૦થી વધુ દેશોમાં એન્ડ્રોઇડ એપ સ્ટોરમાં લિડીંગ પોઝીશન પર છે. આજે જ અમે એન્ડ્રોઇડ પર ૫૦ મિલીયન ડાઉનલોડનો આંકડો પાર કર્યો છે અને તેમાં ભારતીયોની સંખ્યા દ્યણી મોટી છે.

જયારે તેમને પૂછવામાં આવ્યું કે વોટ્સએપ અને સિગ્નલ વચ્ચે તુલના થઇ રહી છે ત્યારે તમે તેને કઇ રીતે જુઓ છો? આ પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે સિગ્નલે પણ પોતાનું એક સ્થાન ઊભું કર્યુ છે કારણ કે યુઝર્સ તેનો ઉપયોગ કરવા માટે સૌથી સુરક્ષિત એપ્લિકેશન તરીકે સિગ્નલને જુએ છે. અમે ડેટા કલેકટ કરતાં નથી. આ વાત ભારત સહિત સમગ્ર વિશ્વ જાણે છે.

સિગ્નલમાં એવું કયુ ફીચર છે જે તમારા મતે વોટ્સએપથી વધુ બહેતર છે એવા પ્રશ્નો જવાબ આપતાં બ્રાયન એકટને જણાવ્યું કે હાલ ભારતમાં સિગ્નલ સૌથી લોકપ્રિય અને નંબર વન એપ્લિકેશન છે. એટલે કે દેશ માટે પ્રાઇવસી વધુ જરુરી છે. બીજી મેસેજીંગ એપ્લિકેશનની તુલનાએ પ્રાઇવસી એ જ અમારી સૌથી મોટી ખુબી છે. અમે ઇચ્છીએ છીએ કે તમારો ડેટા તમારી પાસે જ રહે. અહીં કોઇ એડ, કોઇ ટ્રેકર અને એનાલિટીકસ નથી. સિગ્નલ સ્ટેટ ઓફ ધ આર્ટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે અને તેથી એ તમારા મેસેજ વાંચી શકતું નથી કે ફોટો પણ જોઇ શકતું નથી કે ન તો તમારા કોલ્સને સાંભળી શકે છે. આ ફીચર્સ ભારતીય યુઝર્સ માટે સૌથી મહત્વપૂર્ણ છે. તે બતાવે છે કે ભારતીયો માટે પ્રાઇવસી એક મહત્વપૂર્ણ મુદ્દો અને બાબત છે.

બીજું અમે એપ્લિકેશનમાં ગુજરાતી, હિંદી, કન્નડ, મલિયાલમ, મરાઠી, પંજાબી, તમિળ, તેલુગુ અને ઉર્દૂ જેવી કેટલીય ભારતીય ભાષાઓને પણ સપોર્ટ કરીશું અને સાથે જ નોટ ટુ સેલ્ફ જેવા કેટલાક અલગ ફીચર્સ પણ જોવા મળશે.

(2:50 pm IST)