Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

સંસદની કેન્ટીનમાં સબસિડી ખતમ : વાર્ષિક ૮ કરોડ રૂપિયા થઇ શકે છે બચત

નવી દિલ્હી તા. ૨૦ : સંસદ ભવનના પરિસરની કેન્ટીનમાં હવે સાંસદોને સબસિડીમાં ખાવાનું મળશે નહીં. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે કહ્યું કે સંસદની કેન્ટીનમાં સાંસદોને ભોજન પર આપવામાં આવતી સબસિડી પર રોક લગાવી દીધી છે. ઓમ બિરલાએ કહ્યું કે સંસદનું બજેટ સત્ર ૨૯ જાન્યુઆરીથી શરૂ થશે. સંસદ સત્ર દરમિયાન રાજયસભાની કાર્યવાહી સવારે ૯ કલાકેથી બપોરના ૨ કલાક સુધી ચાલશે. જયારે લોકસભાની કાર્યવાહી સાંજે ૪ થી રાતના ૮ વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન શૂન્યકાળ અને પ્રશ્નકાળ આયોજીત કરવામાં આવશે.

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે સાંસદોના આવાસની નજીક જ તેમના આરટી-પીસીઆર કોવિડ-૧૯ના ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સંસદ પરિસરમાં ૨૭-૨૮ જાન્યુઆરીએ આરટી-પીસીઆર તપાસ કરવામાં આવશે. સાંસદોના પરિવાર, કર્મચારીઓના આરટી-પીસીઆર તપાસ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજયો દ્વારા નિર્ધારિત કરેલ ટિકાકરણ અભિયાન નીતિ સાંસદો ઉપર પણ લાગુ પડશે. સંસદ સત્ર દરમિયાન પૂર્વ નિર્ધારિત એક કલાકના પ્રશ્નકાળની મંજૂરી રહેશે. ઉત્તર રેલવેના બદલે હવે આઈટીડીસી સંસદની કેન્ટીનોનું સંચાલન કરશે.

ઓમ બિરલાએ સબસિડી ખતમ કરવા સંબંધી બાબત પર કોઈ જાણકારી આપી નથી. જોકે સૂત્રોએ જણાવ્યું કે સબસિડી સમાપ્ત કરવાથી લોકસભા સચિવાલયને વાર્ષિક ૮ કરોડ રૂપિયાની બચત થઇ શકશે.

(10:27 am IST)